
ઇન્દોરના અતિચર્ચિત રાજા રઘુવંશી કેસનો ઉકેલ લાવવામાં છેવટે પોલીસ સફળ રહી છે. કોઇ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ ઘટનામાં પત્ની સોનમે જ પોતાના કથિત પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસનું કહેવું છે. છેલ્લાં 15 દિવસથી આ કેસ પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. જેમાં બેવફા પત્નીએ જ માત્ર 10 દિવસના લગ્ન પછી પતિને મારી નાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ હનીમૂન-મર્ડર સ્ટોરીમાં લોકેશન ટ્રાયેંગલ પણ સામે આવ્યું છે. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા પછી સોનમે જાણી જોઈને તેના હનીમૂન માટે ઉત્તરપૂર્વના એક દૂરના વિસ્તારને પસંદ કર્યો અને પછી ઘટનાને અંજામ આપ્યા પછી તે ગાઝીપુર પહોંચી ગઈ અને કોઈને ખબર પણ ન પડી.
મેઘાલયના પોલીસ વડા આઈ નોંગરાંગે આ ભયાનક હત્યાની ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મેઘાલયના રમણીય શહેર સોહરામાં આ કપલ હનીમૂન માટે આવ્યું હતું. ઇન્દોરની 24 વર્ષીય મહિલા સોનમે કથિત રીતે તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનું આયોજન કર્યું હતું અને 9 જૂને ઉત્તર પ્રદેશના ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોનમ ઉપરાંત આકાશ રાજપૂત (19), મધ્ય પ્રદેશના ઇન્દોરના વિશાલ સિંહ ચૌહાણ (22), સોનમના કથિત પ્રેમી રાજ સિંહ કુશવાહ અને સાગર જિલ્લાનો આનંદ કુર્મી (23) પણ સામેલ છે.
રાજાની માતા ઉમા રઘુવંશીએ દાવો કર્યો કે બંનેએ હનીમૂન માટે ઉત્તરપૂર્વીય રાજ્યની ટ્રિપનું આયોજન કર્યું હતું. મારો પુત્ર સોનમના આગ્રહ પર તેની સાથે મેઘાલય ગયો હતો. તે આટલી જલ્દી હનીમૂન પર જવા માંગતો ન હતો. મારા પુત્રએ મને કહ્યું હતું કે સોનમે મેઘાલયની ટ્રિપ માટે ટિકિટ બુક કરાવી છે. મેં તેને કહ્યું હતું કે જો ટિકિટ બુક થઈ ગઈ હોય તો તેણે તેની પત્ની સાથે મેઘાલય જવું જોઈએ. મારા પુત્રએ મને એમ પણ કહ્યું હતું કે સોનમે રિટર્ન ટિકિટ બુક કરાવી ન હતી, પરંતુ તેઓએ 6-7 દિવસમાં ઇન્દોર પાછા ફરવાનું વચન આપ્યું હતું. સોનમ (ગાઝીપુરથી)ની લેટેસ્ટ તસવીર જોઈને રાજાની માતા ચોંકી ગયા હતા. કારણ કે તેમની પુત્રવધૂના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. તે ફોટોશૂટ કરવાના બહાને તમામ દાગીના પણ લઇ ગઇ હતી. પતિ સોનાની ચેઇન પહેરતો ન હતો. પરંતુ સોનમે જ આગ્રહ કરીને તેણે ચેઇન પહેરાવી હતી.