
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દેશના સ્વતંત્રતા સંગ્રામ અને પછી દેશને મળેલી આઝાદીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દેશની આઝાદી 1857ના બળવાથી શરુ થઈને વ્યાપક પ્રયાસોનું પરિણામ હતું, નહીં કે એક વ્યક્તિની સિદ્ધિ હતી. આની સાથે જ તેમણે સંઘના સભ્યોને દરેક પરિવાર સુધી પહોંચવા અને બધા હિન્દુઓને એક કરવા માટે કામ કરવા હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધ્યેય એવા સમાજનું નિર્માણ કરવાનો છે જે જાતિવાદ જેવી અસમાનતાઓથી મુક્ત હોય અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારીથી વાકેફ હોય.
બધા હિન્દુઓને એક કરવા માટે કાર્ય કરવું પડશે. દરેક ઘરમાં ‘સંસ્કાર’ (મૂલ્યો) અને પરિવારોમાં સુમેળ હોવો જોઈએ. જેથી દરેક ઘરમાં સનાતન પરંપરા ફરીથી સ્થાપિત થઈ શકે તેમ તેમણે ઉમેર્યું હતું. નાગપુરમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પોતાના સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું કે, હંમેશા એ વાત પર ચર્ચા થાય છે કે દેશને આઝાદી કોના પ્રયાસોથી મળી હતી. પરંતુ હકીકત એ છે કે આ આઝાદી કોઈ વ્યક્તિના કારણે મળી નથી. આ માટેના પ્રયાસો 1857થી શરુ થયા અને દરેક જગ્યાએ આગ ભભૂકી હતી, ત્યાર પછી આ આગ ક્યારેય શાંત થઈ નહીં. પ્રયાસ ચાલુ રહ્યા અને તમામ સામૂહિક પ્રયાસોથી આપણને આઝાદી મળી.
સામૂહિક વિચાર અને નિર્માણનું મહત્વ સમજાવીને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘની દિશા સામૂહિક વિચારથી નક્કી થાય છે, સંઘનું કામ એક કે બે લોકોનું કામ નથી, સંઘ જે પણ કરે છે અને જે પણ કહે છે, એ સામૂહિક નિર્ણય હોય છે. આ પહેલા પાંચમી જૂને આરએસએસ પ્રમુખ ભાગવતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો અને સાથે જ ભારતીય સૈન્યની પ્રશંસા કરી અને તમામ રાજકીય શક્તિઓને આ ઘટના પછી ઊભરેલી એકતાની ભાવનાને જાળવી રાખવાની અપીલ કરી હતી.