ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન શિબિર, આ 7 મહત્વના મુદ્દે થઈ ચર્ચા, જાણો સમગ્ર વિગત

Spread the love

 

પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર આંદોલન સમયે સક્રિય રહેલા પાટીદાર આગેવાનો ગાંધીનગરમાં એકમંચ પર જોવા મળ્યા. ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનોએ સામાજિક સમસ્યાઓ પર મુદ્દે ચર્ચા કરી અને કેટલાક મહત્વના નિર્ણય પણ કર્યા…જુઓ પાસની બેઠક પર આ ખાસ અહેવાલ…

એક દાયકા પહેલાં ગુજરાતના રાજકારણને હચમચાવનાર પાટીદાર અનામત આંદોલન ફરી ચર્ચામાં છે…

ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરે આ આંદોલનની આગને ફરી તાજી કરી. 2015માં હાર્દિક પટેલની આગેવાનીમાં શરૂ થયેલા આ આંદોલને ગુજરાત જ નહીં, સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ આંદોલનના યુવા નેતાઓ રાજકીય પક્ષોમાં મોટા હોદ્દા ધરાવે છે, પરંતુ શું આ સમાજની માંગણીઓ પૂરી થઈ?…

આ ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને SPGના પદાધિકારીઓ એક મંચ પર જોવા મળ્યા. દસ વર્ષમાં સમાજને શું મળ્યું અને શું બાકી રહ્યું, તેના પર ગરમાગરમ ચર્ચા થઈ. સાત મુખ્ય મુદ્દાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું..જેમાં,

લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતી
ઓનલાઇન જુગારનું દૂષણ રોકવું
ગોંડલમાં સામાજિક સુરક્ષા મજબૂત કરવી
સ્થાનિક ચૂંટણીઓમાં EWS અનામતનો લાભ
આંદોલનના બાકી કેસો પરત ખેંચવા
કરમસદને આણંદ મનપામાં ન સમાવી સરદારધામ બનાવવું
યુવા સ્વાવલંબન, બિનઅનામત આયોગની ધાંધલી દૂર કરવી

પરંતુ શિબિરમાં રાજકીય ડ્રામા પણ જોવા મળ્યો… અમદાવાદના PAAS કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન મળતાં શાંતિલાલ સોજિત્રાએ હોબાળો મચાવ્યો. બેઠકમાં હાજર આગેવાનોએ તેમને સમજાવીને મામલો શાંત કર્યો, પરંતુ આ ઘટનાએ સમાજની આંતરિક ફૂટનો સંકેત આપ્યો.

શિબિરની સૌથી મોટી ચર્ચા હતી હાર્દિક પટેલની રહસ્યમય ગેરહાજરી. આંદોલનના પોસ્ટર બૉય રહેલા હાર્દિકે શિબિર દરમિયાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેમાં તેમણે ધારાસભ્ય તરીકે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટેના પોતાના કામો ગણાવ્યા. સાથે લખ્યું કે, મેં મારો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો. આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું.

શું લખ્યું હાર્દિકે?
મેં મારો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો, બીજી તરફ, આંદોલનનો બીજો ચહેરો ગોપાલ ઈટાલિયા પણ શિબિરમાં ગેરહાજર રહ્યા. હાલમાં AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલે 2025ની પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે, પરંતુ તેમની ગેરહાજરીએ પાટીદાર સમાજની રાજકીય એકતા પર સવાલો ઉભા કર્યા.

આ ચિંતન શિબિરે પાટીદાર સમાજના ભવિષ્ય માટે નવા રોડમેપની ચર્ચા કરી, પરંતુ હાર્દિક અને ગોપાલ જેવા નેતાઓની ગેરહાજરીએ સમાજની આંતરિક રાજનીતિ પર પ્રશ્નો ઉભા કર્યા. શું પાટીદાર અનામત આંદોલનનો જુસ્સો ફરી જાગશે?, આ સવાલનો જવાબ ભવિષ્યમાં જ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *