ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કુળદેવી ગણાતા બહુચર માતામાં તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. વર્ષોથી માણસામાં તેમના બાપ-દાદાના મકાનની બાજુમાં ગોખલામાં બહુચર માતાની મૂર્તિ છે. આ ગોખલામાં તેમના બાપ-દાદાના જમાનાના ચાંદીના આરતીના વાસણો પણ આજની તારીખમાં છે. આ ગોખલાને મંદિરના રૂપમાં પરિવર્તિત કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. અને છેલ્લાં 10 વર્ષથી અમિત શાહ માણસામાં તેમના કુળદેવી બહુચર માતાની આરતી ઉતારવા દર નવરાત્રિમાં આવે છે. આ જ પરંપરાના ભાગરૂપે તેઓ 30મી સપ્ટેમ્બરે નવરાત્રિ દરમિયાન માણસામાં કુળદેવીની આરતી કરશે.
ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ સમયે દેશમાં ગમે ત્યાં હોય ત્યાંથી આવીને અચૂક હાજરી આપી આરતી ઉતારે છે.
અમિત શાહ સક્રિય રાજકારણમાં આવ્યા તે પહેલાં તેમના પૈતૃક ગામ માણસામાં તેમના પારિવારિક વેપાર એવા પ્લાસ્ટિકના પાઈપનો બિઝનેસ સંભાળતા હતા. સાથે સાથે તેઓ શેરબજારમાં સ્ટોક બ્રોકર તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની વેપારી સૂઝબૂઝના કારણે તેમણે તેમના પૈતૃક વેપારને ઘણો વેગ પણ આપ્યો હોવાનું કહેવાય છે.
તેઓ પોતાની માતાની ઘણાં નજીક હતા. શાહ જ્યારે પણ કોઈ પાર્ટીના કામથી બહાર જતા ત્યારે તેમની માતા તેમની રાહ જોઈને બેસતી. શાહને ગમે તેટલું મોડું થાય તે ઘરે આવ્યાં પછી એક કલાક માતા સાથે વિતાવીને જ બીજું કામ કરતા. તેમની માતાનું નિધન વર્ષ 2010માં થયું હતું.
માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા હતા. તેમનો પરિવાર પહેલેથી જ સંઘની વિચારધારામાં માનનારો હોવાના કારણે તેમણે સંઘમાં જોડાવાનું નક્કી કર્યું. અને જ્યારે 1982માં તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. આ રીતે મોદી અને શાહના સંબંધોને 38 વર્ષ પૂર્ણ થયા છે. 1983માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે જોડાયા હતાં. ત્યારબાદ 1986માં તેઓ ભાજપમાં સામેલ થયા હતાં. 1987માં તેઓ ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય બની ગયા. 1989થી 2014 દરમિયાન અમિત શાહ ગુજરાત રાજ્ય વિધાનસભા અને વિવિધ સ્થાનિક નાની-મોટી 42 ચૂંટણી લડ્યા છે. વર્ષ 2014માં તેમની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી અને તેમની કુશળ ચાણક્ય નીતિના કારણે ભાજપ ધીમે ધીમે વિવિધ રાજ્યોમાં સત્તા પર આવતો ગયો. વર્ષ 2017માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને ત્યારબાદ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બન્યા. હાલમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમણે વર્ષ 2019માં ભાજપ ફરી સત્તા પર આવી અને કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકેની કામગીરી સંભાળી કે તરત જ વર્ષોથી કોઈ સરકારો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને આર્ટિકલ 35 એ નહોતી હટાવી શકી તેને ટૂંકાગાળામાં હટાવી લઈને એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી છે.