કોરોનાના કપરા સમયમાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉદ્દેશ્ય સાથે સતત છેલ્લા 20 દિવસથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ – ગાંધીનગરના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા દૈનિક 2,000થી વધુ લોકોને પૂ.સમર્થશ્રી પ્રાગદાસ બાપાની રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટના સહયોગથી આયુર્વેદિક ઓર્ગેનિક ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે કોરોનાથી સંક્રમિત થયેલા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ અને હોમકોરોન્ટાઈન થયેલા પેથાપુર, કુડાસણ અને વાવોલ વિસ્તારમાં તેમના પરિવારજનો છેલ્લા 15 દિવસથી 30 જેટલા સ્વયંસેવકો દ્વારા શિક્ષાપત્રી અને નિષ્ઠા ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થાઓની મદદથી બે ટાઈમ 100 જેટલા ટિફિન વિના મૂલ્યે પહોંચાડવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, RSSના છ જેટલી શાખાઓ દ્વારા ગાંધીનગરના સેક્ટર-20 21, 28,30 તેમજ પેથાપુર, કુડાસણ, સરગાસણ, રાયસણ, કોબા, ધોળાકુવા અને ચરેડી સહિતના ગામોમાં રોજ સવારે વિનામૂલ્યે આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય RSS કાર્યકર્તાઓ કોવિડ હોસ્પિટલ ગાંધીનગર અને સેક્ટર-30માં આવેલા અંતિમધામ ખાતે દિવસ-રાત સેવાઓ આપી રહ્યા છે તેમ ગાંધીનગરના નગર કાર્યવાહ શ્રી દિપક પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.