રાજ્યમાં નકલી સરકારી અધિકારીની ભરમાર હોય તેવું લાગી રહ્યું છે. 6 દિવસ પહેલા રાજકોટમાંથી નકલી ક્રાઈમ બ્રાન્ચ (fake crime branch) બની પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી રૂપિયા પડાવતો શખ્સ ઝડપાયો હતો. જે બાદ હવે પાટણમાંથી તો આખે આખી ક્રાઈમ બ્રાન્ચ જ ઝડપાઈ છે. આ ટોળકી લોકોને પોતાની ઓળખ આપી તોડબાજી કરતી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર, પાટણમાં પોલીસનો સ્વાંગ રચી તપાસના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી તોડબાજ ટોળકી સક્રિય થઈ હોવાની ફરિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ ફરિયાદ મળ્યા બાદ બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન નકલી ક્રાઈમ બ્રાન્ચ (fake crime branch) બનેલા 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસને શું શું મળ્યું?
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને તોડબાજી કરતી ટોળકીના સાગરિતો રવેટા હોટલમાં રોકાયા છે. LCBએ આ બાતમીના આધારે રવેટા હોટલમાં રેડ કરી હતી. પોલીસે હોટલના રૂમ નંબર 302માંથી આરોપીઓને પકડી લીધા હતા. પોલીસને તેમની પાસેથી પોલીસનું નકલી આઈ કાર્ડ,પોલીસનો ડ્રેસ, લાલ કલરના બુટ અને ખાખી મોજા પણ મળી આવ્યા હતા.
તોડ કરે તે પહેલા જ ઝડપાઈ ગઈ ટોળકી
આ સાથે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 3 કાર, 11 મોબાઈલ અને રોકડા 50000 એમ કુલ મળીને રૂપિયા 18.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં આ ટોળકીનો કોઈ ભોગ બન્યા હોય, તો પાટણ LCB પોલીસનો સંપર્ક કરવા માટે પાટણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પાટણ જિલ્લાના જ રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. તેઓ તોડ કરવાના ઇરાદેથી નકલી પોલીસનો સ્વાંગ રચીને શહેરમાં ફરતા હોવાની માહિતી તપાસ દરમિયાન સામે આવી છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાંથી પણ ઝડપાયો હતો આવો જ આરોપી
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ એક વ્યક્તિ પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું જણાવી લૂંટ ચલાવતો હતો. આ વ્યક્તિએ એક ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 20000 પડાવી લીધા હતા. આ શખ્સે અગાઉ પણ 5 વાર નકલી પોલીસ બનીને તોડ કર્યો હતો. 5 નવેમ્બરના રોજ પોલીસે મિહિર કુગશીયા નામના આ વ્યક્તિને જેલના હવાલે કર્યો હતો.