મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે નહીં અને ગામડાઓ કોરોના મુક્ત રહે તેવા આરોગ્યલક્ષી ભાવથી ૧લી મે -ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરાવ્યું છે.
“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રી, વિવિધ સેવાભાવી સંગઠનો તંત્ર સાથે ખભેખભો મિલાવીને કોરોના સંક્રમણને અટકાવવાના સેવા યજ્ઞમાં જોડાઇ રહ્યા છે. લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ અભિયાનથી ગુજરાતના ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ, તકેદારી અને સારવાર સુવિધાનો વ્યાપ વધ્યો છે.
“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” રાજ્ય વ્યાપી અભિયાન અન્વયે રાજયમાં ૧૪૨૪૬ ગ્રામ પંચાયતોમાં વસ્તીને ધ્યાને લઇ તેમજ સ્થાનિક જરૂરીયાતને ધ્યાને લઇ ૫ બેડથી લઇ ૫૦ બેડ સુધીની વ્યવસ્થાવાળા ૧૫૦૦૦ થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) શરૂ કરવામાં આવ્યા છે. ગામમાં કોઇ સંક્રમિત વ્યક્તિને રહેઠાણમાં અલાયદા રૂમની વ્યવસ્થા ન હોય ત્યારે તે આજુબાજુના અન્ય લોકોને સંક્રમિત ન કરે તેમજ અલગ રૂમમાં એકલા રહેવાથી દર્દી ડીપ્રેશનમાં ન આવી જાય તેવા હેતુથી આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ખાતે આઇસોલેટ કરવામાં આવે છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓ દાખલ થયેલા દર્દીઓને કોરોના બાબતે બિનજરૂરી ચિંતા ટાળવામાં અને ઝડપથી કોરોના મુક્ત થવા પ્રોત્સાહિત કરે છે.
“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછું એક અને વસ્તી અને કેસોની સંખ્યા વધુ હોય તો જરૂરીયાત પ્રમાણે એક થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) તૈયાર કરાયા છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર સરકારી શાળા, સમાજવાડી, કોમ્યુનિટી હોલ, રાજીવગાંધી ભવન, અન્ય સરકારી મકાનની બીલ્ડીંગોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ કેર કેન્દ્રોના સંચાલનમાં ગામના સામાજીક આગેવાનોની સમિતિ, સેવાભાવી સંસ્થાઓ, ગામના સરપંચ-તલાટી કમ મંત્રી, શાળાના આચાર્યશ્રી તેમજ મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફનો સહયોગ અને પાયાની સુવિધાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર ઉપર રહેવાની ઉત્તમ વ્યવસ્થા ઉપરાંત ભોજન, શુદ્ધ પીવાના પાણી અને શૌચાલય સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
એટલું જ નહી આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં રહેલા વ્યક્તિઓના ભોજન વગેરેની સુવિધાઓ ખુદ ગામના યુવાનો અને દાતાઓ ઉપાડે છે.
કોવિડ-૧૯ ના ૮૦ ટકા દર્દીઓમાં રોગના લક્ષણો જોવા મળતા નથી કે સામાન્ય પ્રકારના લક્ષણો હોય છે આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવે છે. વધુમાં, જો આવા દર્દીઓને કોઇ અન્ય બીમારી જેમાં ડાયાબીટીસ, બી.પી., હદયની બીમારી ન હોય તો આવા પોઝીટીવ દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) માં આઇસોલેટ કરવાથી ઘરના અન્ય સભ્યોને પાડોશીઓ અને ગામલોકોમાં આ રોગના ચેપનો પોતાના દ્વારા ફેલાવો થતાં રોકી શકાય છે અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તો ગામ કોરોનામુક્ત રહી શકે.
કોવિડ કેર સેન્ટર દાખલ થનાર દર્દી મેડિકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, FHW, MPHW, આશા બહેન દ્વારા કોવિડની સારવાર મેળવે છે. દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર, તેના શરીરનું તાપમાન વગેરે સ્વાસ્થ કર્મીઓ દ્વારા ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે. દર્દીને જરૂરી દવાઓ આપવામાં આવે છે જેથી કોરોનાનો ચેપ શરીર મા વધુ પ્રસરતો અટકાવી શકાય. દર્દીને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારતી પ્રોન થેરાપીની તાલીમ સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવે છે.
આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર વિશાળ જગ્યામાં શરૂ કરવાની મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનના પ્રતિસદ રૂપે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી મકાનોના બિલ્ડીંગોમાં શાળા અને તેના ઓરડાઓ જગ્યાની દષ્ટિએ પ્રમાણમાં મોટા હોય તેવા કોમ્યુનીટી હોલ, સમાજવાડી અને રાજીવ ગાંધી ભવન ખાતે જગ્યા મુજબ બેડની સુવિધા સાથે શરૂ થયા છે.
હાલની પરિસ્થિતિમાં નવું ઇન્ફાસ્ટ્રકચર તરત ઉભું કરવાને બદલે ગામમાં ઉપલબ્ધ અન્ય ભવનોનો ઉપયોગ કરીને આઇસોલેશન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથેસાથે જયાં પી.એચ.સી. અને સી.એચ.સી. છે ત્યાં પણ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોમાં મોટાભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે દવાઓ તેમજ જરૂરી આનુષાંગિક સુવિધા હોય છે.
“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન ગત ગુજરાત સ્થાપના દિવસ-૧લી મેથી શરૂ થયાના એક પખવાડીયામાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ખાતે આઇસોલેટ થયેલા દર્દીઓની સંખ્યામાં વધઘટ જોવા મળી છે. મુખ્યત્વે ખૂબ જ માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ બે થી ત્રણ દિવસમાં ઘરે પરત જાય છે જેથી કોવિડ કેર સેન્ટર ખાતે ઉપસ્થિત દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જે દર્દીઓના કિસ્સામાં લક્ષણો ગંભીર હોય તો તેઓને પી.એચ.સી./સી.એચ.સી. ખાતે રીફર પણ કરવામાં આવતા હોય છે. જે કેટલાક દર્દીઓને જરૂર જણાય તેઓ જ નજીકના ઓક્સિજન સુવિધા સાથેના DCHC/કોવિડ હોસ્પિટલમાં દાખલ થતા હોય છે પરિણામે શહેરો તરફનો ધસારો ઘટાડી શકાયો છે.
આમ, ગામડાઓમાં ઉભા કરવામાં આવેલ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) હકીકતમાં ગ્રામ્ય સ્તરે પેશન્ટ મેનેજમેન્ટ સીસ્ટમનું આગવું ઉદાહરણ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને વેગવંતુ બનાવવા અને કોવિડ કેર સેન્ટર સહિતની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવા કલોલ તાલુકાના આરસોડિયા અને સાણંદ તાલુકાના ચેખલા ગામની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓને રાજ્યના ૩૩ જિલ્લાઓના ગામોમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર માટે જિલ્લા અધિકારીઓ અને ગ્રામજનો સાથે સંકલન નિરીક્ષણની જવાબદારી સોપવામાં આવી છે. તદઅનુસાર મંત્રીશ્રીઓ શ્રી આર.સી. ફળદુને જામનગર, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મહેસાણા- અમદાવાદ, શ્રી કૌશીકભાઇ પટેલને ગાંધીનગર અને મહીસાગર, શ્રી સૌરભભાઇ પટેલને બોટાદ અને મોરબી, શ્રી ગણપતભાઇ વસાવાને ડાંગ અને તાપી, શ્રી જયેશભાઇ રાદડીયાને રાજકોટ, શ્રી દિલીપકુમાર ઠાકોરને બનાસકાંઠા અને પાટણ, શ્રી ઈશ્વરભાઈ પરમારને નવસારી, શ્રી કુંવરજીભાઇ બાવળિયાને સુરેન્દ્રનગર, શ્રી જવાહરભાઈ ચાવડાને સોમનાથ અને જુનાગઢ, શ્રી પ્રદીપસિંહ જાડેજાને ખેડા, શ્રી બચુભાઈ ખાબડને દાહોદ અને છોટાઉદેપુર, શ્રી જયદ્રથસિંહ પરમારને પંચમહાલ અને આણંદ, શ્રી ઈશ્વરસિંહ પટેલને નર્મદા અને ભરુચ, શ્રી વાસણભાઇ આહિરને કચ્છ, શ્રીમતી વિભાવરીબેન દવેને ભાવનગર, શ્રી રમણભાઇ પાટકરને અરવલ્લી અને વલસાડ, શ્રી કિશોરભાઇ કાનાણીને સુરત, શ્રી યોગેશભાઈ પટેલને વડોદરા તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલી અને દેવભૂમિ દ્વારકાની જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
મંત્રીશ્રીઓ પોતાને સોંપાયેલા જિલ્લાઓના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત- ગ્રામજનો સાથે સંવાદ કરીને જાગૃતિ અને એસ.એમ.એસ, રસીકરણ માટે સૌને પેરિત કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવી રહ્યા છે.
મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન હેઠળ કોવિડ કેર સેન્ટર અને આનુષાંગિક વ્યવસ્થાઓ ઊભી કરવા પાછળ રાજ્ય સરકારનો હેતુ જનભાગીદારી થકી ગ્રામીણ સ્તરે કોરોનાની બીજી લહેરને ખાળવાનો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય માળખું વધું સુદ્રઢ બન્યું છે. સી.એચ.સી.-પી.એચ.સી. ખાતે કોવિડ-19 સારવાર સંલગ્ન સુવિધાઓમાં ઉમેરો થયો છે. ગ્રામ્ય વિસ્તારોના મેડિકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, FHW, MPHW, આશા બહેનો કોરોના સામેની લડતના એક વર્ષના અનુભવ સાથે તાલીબદ્ધ બન્યા છે.
‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનને પરીણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓછુ સંક્રમણ થાય તે માટે અત્યારથી જ તૈયાર થઇ રહ્યા છે. સંક્રમણથી બચવાના ઉપાયો સંક્રમિતોના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, સ્ટાન્ડર્ડ દવાઓ, હોમ આઇસોલેશન, હોમ રેમિડિઝ અને એસ.એમ.એસ. બાબતે વધું સજાગ થયા છે. આમ ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાનથી ગ્રામીણ ગુજરાતનું વર્તમાન અને ભાવિ બન્ને સુરક્ષીત થયા છે.