મહારાષ્ટ્રમાં કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હવે લોકડાઉન પહેલી જૂન સવારે ૭ વાગ્યા સુધી લાગુ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં ૧૫ મે સુધી લોકડાઉન લાગુ હતું, પરંતુ હવે ફરીથી તેને વધારવાનું નક્કી કરાયું છે. લોકડાઉન દરમિયાન રાજ્યમાં અગાઉની જેમ માત્ર જરૂરી સેવાઓની છૂટ રહેશે અને અગાઉના પ્રતિબંધો લાગુ રહેશે.
રાજ્યમાં પ્રવેશ કરનારા દરેક વ્યક્તિને નેગેટિવ RTPCR કોરોના રિપોર્ટ બતાવવું પડશે. તે રિપોર્ટ ૪૮ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ. સામાનની હેરફેર કરતી ગાડીઓમાં ડ્રાઇવર અને ક્લિનર સિવાય ત્રીજા વ્યક્તિને પરવાનગી નહીં હોય. જો આવી ગાડીઓ પણ રાજ્યમાં બહારથી પ્રવેશ કરે તો ડ્રાઇવર તથા ક્લિનરને નેગેટિવ કોરોના રિપોર્ટ સાથે લાવવું પડશે.
રાજ્યમાં તે વધુમાં વધુ સાત દિવસ રહી શકશે, તેનાથી વધુ રહેવા પર ક્વોરન્ટાઇન કરાશે.
એપીએમસીને કોરોનાના નિયમોનું કડક પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. એવા લોકો જે એરપોર્ટ અને દવાઓ તથા મેડિકલ ઉપકરણ સાથે જોડાયેલી વસ્તુની વ્યવસ્થામાં જોડાયેલા છે તેમને સ્થાનિક ટ્રાન્સપોર્ટ, મોનો રેલ તથા મેટ્રો રેલમાં અવરજવરની મંજૂરી હશે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે અને બીજી લહેરમાં પણ ત્યાં જ સૌથી વધુ કેસ આવ્યા છે. ગયા મહિને મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. જેને વધારીને ૧૫ મે સુધી કરાયું હતું. હવે રાજ્યમાં લોકડાઉન વધારીને પહેલી જૂન સવારે ૭ વાગ્યા સુધી કરાયું છે.