કોરોના વાયરસને કારણે દેશભરમાં અફરાતફરી સર્જાઈ છે. દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. જ્યારે આ વાયરસના કારણે દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રોગચાળાને લઈને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે તેઓ દેશવાસીઓએ જે વેદના સહન કરી છે તે તેઓ પણ અનુભવી રહ્યા છે. પીએમ મોદીએ શુક્રવારે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાકીય લાભના આઠમા હપ્તાની રકમ આપતી વખતે આ વાત કહી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, ‘100 વર્ષ પછી આવી ભયંકર મહામારી વિશ્વની કસોટી એક એક પગલે કરી રહી છે. આપણી સામે એક અદૃશ્ય દુશ્મન છે. આપણે આપણા ઘણા નજીકનાઓને ગુમાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોએ જે પીડા અને વેદના સહન કરી છે તે પીડા હું પણ અનુભવું છું.