વાવાઝોડાની અસરના પગલે રવિવારે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના હવામાનમાં ભારે પલ્ટો આવવાની સાથે આખો દિવસ વાદળીયુ હવામાન વચ્ચે બપોર બાદ ધૂળની ડમરી સાથે મિની વાવાઝોડા સાથે સર્વત્ર વરસાદ પડયો હતો. અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થવાના અને પતરા ઉડવાના બનાવો બન્યા હતા.સુરત શહેરમાં બપોરે એકાએક 35 થી 40 કિ.મીની પૂરઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદ શરૃ થતા ઉમરપાડા તાલુકામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.બે તાલુકામાં 285 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ હતુ.
અરબી સમુદ્વમાં ફરતુ તૌકતે વાવાઝોડાની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં બપોર બાદ ધૂળની ડમરી ઉડવા સાથે મિની વાવાઝોડું ફુંકાયું હતુ. અને પછી ક્યાક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેરી સહિતના ખેતીપાકને નુકસાન થયું હતુ. સુરત શહેર અને જિલ્લામાં સવારથી જ સૂર્યદેવતા ગાયબ થવાની સાથે વાદળોએ કબજો જમાવ્યો હતો. સાથે ગરમ પવન ફુંકાતા લોકો અસહ્ય ઉકળાટ-બફારાથી ત્રસ્ત બન્યા હતા. બપોરે ૪ વાગ્યા સુધી આવુ વાતાવરણ નોંધાયા બાદ ફરી પલ્ટો આવ્યો હતો. અને 35 થી 4૦ કિ.મીની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદ શરૃ થયો હતો. થોડી મિનિટ વરસાદ વરસ્યા બાદ બંધ થઇ ગયો હતો. અચાનક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ભારે પવન ફુંકાતા શહેરમાં સાત સ્થળે વૃક્ષો ધરાશયી થવાના અને જિલ્લામાં અમુક સ્થળોએ પતરા ઉડયા હતા. જો કે જાનમાલને કોઇ નુકસાનીના ખબર મળ્યા નથી.
ઉમરપાડા તાલુકામાં 1 ઇંચ, મહુવા, માંડવી સહિત તમામ તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. સુરત શહેરમાં પણ વરસાદના કારણે શહેરીજનો છેલ્લા કેટલાક દિવસથી જે અસહય ગરમી અને ઉકળાટ અનુભવી રહ્યા હતા. તેમાં રાહત મળી હતી. ભારે પવન ફુંકાતા સુરતના ઓલપાડ તાલુકાના જીણોદમાં 32, મોરમાં 34 સહિત ઓલપાડમાંથી 21 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જયારે ડુમસના કેડીયા બેડ પરથી 45 સહિત 65 મળીને કુલ 285 વ્યકિતઓને સલામત સ્થળે ખસેડાયા હતા.