‘તાઉ’તે’ વાવાઝોડાના પગલે વીજતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમરે જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડાના કારણે રાજ્યની કુલ ૮૧ કોવિડ હોસ્પિટલ, ૧૬ જેટલી અન્ય હોસ્પિટલ તથા ૧૯ જેટલા ઑક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજ પુરવઠો ખોરવાતા પાવર બેકઅપ પર કાર્યરત કરવામાં આવી હતી. જેમાંથી ૨૯ કોવિડ હોસ્પિટલ, ૧૨ અન્ય હોસ્પિટલ તેમજ ૬ ઑક્સિજન યુનિટનો વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે હાલ પાવર બેકઅપ પર કાર્યરત ૫૨ જેટલી કોવિડ હોસ્પિટલ્સ, ૪ અન્ય હોસ્પિટલ્સ તેમજ ૧૩ ઑક્સિજન પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તેમણે ઉમેર્યું કે તાઉ’તે વાવાઝોડું પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠાના અમરેલી, ગિરસોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પહોંચી ગયું છે અને આ વિસ્તારોમાં જ્યાં પણ અસર થઈ છે, ત્યાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જે અંતર્ગત વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, હાલ કોવિડની પરિસ્થિતિમાં રાજ્યની તમામ ૧૪૦૦ જેટલી કોવિડ હોસ્પિટલો તેમજ અન્ય નોન કોવિડ હોસ્પિટલોમાં પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં, વાવાઝોડાના કારણે જે કોઈ હોસ્પિટલોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, તેમાંથી અનેક જગ્યાએ ઊર્જા વિભાગ દ્વારા તાત્કાલિક રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરી વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અસરગ્રસ્ત હોસ્પિટલોમાં અમદાવાદની ૩ પૈકી ૧, અમરેલીની ૨૧ પૈકી ૨, અરવલ્લીની ૧, ભાવનગરની ૧૧ પૈકી ૧, દેવભૂમિ દ્વારકાની ૧, ગિરસોમનાથની ૯ પૈકી ૧, જુનાગઢની ૪ પૈકી ૨, મોરબીની ૬, પંચમહાલની ૨, રાજકોટની ૮ પૈકી ૩, સાબરકાંઠાની ૧, જ્યારે સુરતની ૧૩ પૈકી ૮ કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.
આ જ રીતે, મોરબીની ૧૧ તથા અમદાવાદની ૧ નોન-કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે જુનાગઢની ૩ તેમજ સુરતની ૧ હોસ્પિટલ હાલ પાવર બેકઅપ પર કાર્યરત છે, જેનો વીજપુરવઠો ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્યના ઑક્સિજન પ્લાન્ટના વીજ પુરવઠાની વિગતો આપતા શ્રીમતિ સુનયના તોમરે ઉમેર્યું કે રાજકોટના ૬ પૈકી ૪ તથા સુરતના ૩માંથી ૨ ઑક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરાયો છે. જ્યારે ભાવનગરના એક ઑક્સિજન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિત કુલ ૯ પ્લાન્ટ તથા અમરેલીનો એક રિફીલિંગ પ્લાન્ટ હાલ પાવર બેકઅપ પર ચાલી રહ્યો છે. જેને ટૂંક સમયમાં ફરીથી વીજ પુરવઠા પર કાર્યરત કરવામાં આવશે.