શહેરના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ મધ્યમવર્ગીય પરિવારો બન્યા છે. ભીમરાડ સ્થિત ‘શિવ રેસિડેન્સી’ ના 4 ટાવરના અંદાજે 400 પરિવારોને પોતાના સપનાના ઘર છોડીને રસ્તા પર આવવાનો વારો આવ્યો છે. મનપા દ્વારા સુરક્ષાના કારણોસર બિલ્ડિંગ ખાલી કરાવવાની નોટિસ અપાતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું
એક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા
ગઈકાલે ભીમરાડમાં નિર્માણાધીન ‘વિવાન’ બિલ્ડિંગની આશરે 150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ (સંરક્ષણ દિવાલ) ધડાકાભેર ધરાશાયી થઈ હતી. આ દિવાલ ધરાશાયી થવાને કારણે બાજુમાં જ આવેલી ‘શિવ રેસિડેન્સી’ ના ટાવરોમાં જોખમ ઊભું થયું હતું. બિલ્ડરની લાપરવાહીને કારણે બનેલી આ ઘટનાએ જોતજોતામાં 400 પરિવારોનું સુખ-ચૈન છીનવી લીધું છે.
“મને મારું ઘર આપી દો…” – રહીશોનો આક્રંદ
જ્યારે મનપાની ટીમ દ્વારા ફ્લેટ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, ત્યારે દ્રશ્યો હૃદયદ્રાવક હતા. લોકોએ પોતાની આખી જિંદગીની મૂડી ખર્ચીને ખરીદેલા ઘર છોડતી વખતે રડી પડ્યા હતા. એક મહિલાએ ચૌધાર આંસુએ રડતા કગરીને કહ્યું, “મેં મારી આખી જિંદગીની કમાણી આ ઘરમાં લગાવી છે, હવે હું ક્યાં જાઉં? મને મારું ઘર પાછું આપી દો, હું રોડ પર આવી ગઈ છું.” રહીશોએ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરીને ધરણાં કર્યા હતા અને બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તંત્રની કડક કાર્યવાહી: 4ના લાયસન્સ સસ્પેન્ડ
આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા (SMC) એક્શન મોડમાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે બિલ્ડર, આર્કિટેક્ટ અને એન્જિનિયરની બેદરકારી સામે આવતા નીચે મુજબના 4 વ્યક્તિઓના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 1. તુષાર પોપટલાલ રીબડીયા (ડેવલપર) 2. સુરેશકુમાર મોડિયા (આર્કિટેક) 3. જલીલ શેખ (સ્ટ્રક્ચરલ એન્જિનિયર) અને 4. તેજસ જસાણી (ક્લાર્ક-સુપરવાઇઝર)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પ્રોજેક્ટની રજાચિઠ્ઠી પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સ્ટ્રક્ચરની મજબૂતીની તપાસ માટે 7 તજજ્ઞોની ખાસ ટીમ બોલાવવામાં આવી છે, જેમના રિપોર્ટ બાદ આગળનો નિર્ણય લેવાશે. હાલ તો આ 400 પરિવારો ક્યાં જશે અને તેમના ઘરનું ભવિષ્ય શું હશે તે એક મોટો પ્રશ્ન છે. લોકોમાં બિલ્ડર અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.