ગુજરાતમાં મકાનોના વધી જશે ભાવ? જાન્યુઆરી અંત સુધીમાં નવી જંત્રી લાગુ થવાની તૈયારીઓ આરંભી!

Spread the love

 

ગુજરાતમાં મિલકત અને જમીનની લે-વેચ સાથે સંકળાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી જાન્યુઆરી-2026ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવી જંત્રી અમલી બનાવવાની પૂરજોશમાં તૈયારી કરી રહી છે. જી હા…મહેસૂલ વિભાગ દ્વારા આ વખતે ‘વૈજ્ઞાનિક ઢબે’ તૈયાર કરાયેલા નવા દરોથી જમીન અને મકાનોના ભાવમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

નવી જંત્રીના અમલથી મકાનો અને જમીનોના સરકારી ભાવ વધવાની શક્યતા છે. જો જંત્રીના દર વધશે તો દસ્તાવેજ કરાવતી વખતે ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં વધારો થશે. જંત્રી વધવાથી એફ.એસ.આઈ (FSI) ના દર પણ વધે છે, જેની સીધી અસર ફ્લેટ કે બંગલાની કિંમત પર પડે છે.

ગુજરાત સરકાર દ્વારા આગામી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પૂર્વે જ નવી જંત્રી અમલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણકારોનું માનવું છે કે બજેટ પહેલા આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મહેસૂલી આવકમાં વધારો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા લાવવાનું છે. નવી જંત્રી લાગુ થવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોના સરકારી ભાવ બદલાશે, જેની સીધી અસર દસ્તાવેજ નોંધણી (Stamp Duty) અને પ્રોપર્ટી માર્કેટ પર પડશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 13 એપ્રિલ-2023ના રોજ નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જોકે, તે સમયે દરોમાં રહેલી વિસંગતતાઓને કારણે ખેડૂતો અને બિલ્ડર લોબી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉની જંત્રીમાં અનેક વિસ્તારોમાં બજાર ભાવ કરતા જંત્રી વધી ગઈ હતી અથવા તો પડોશી સર્વે નંબરો વચ્ચે મોટો તફાવત હતો. આ વિરોધને ધ્યાને રાખીને નવેમ્બર-2024માં સરકારે લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા હતા. હવે આ સૂચનોનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

કેવો રહેશે લોકોનો પ્રતિસાદ?
હવે સૌની નજર મહેસૂલ વિભાગ પર ટકેલી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે જંત્રી ‘વૈજ્ઞાનિક’ છે, પરંતુ જાન્યુઆરીમાં નવા દરો જાહેર થયા બાદ જ ખબર પડશે કે જનતા અને બિલ્ડરો તેને કેટલી આવકારે છે. જો લોકોના વાંધા-સૂચનોને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવ્યા હશે, તો વિરોધની શક્યતા ઓછી રહેશે, અન્યથા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *