દેશમાં આ વર્ષે ૧૬ મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને ૧૪.૫ ટકા થયો છે. એપ્રિલમાં તે ૮ ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી છેગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર ૨૩ ટકાથી ઉપર હતો. ગયા વર્ષે માર્ચમાં સરકારે કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે લોકડાઉન લગાવી દીધું હતું. આનાથી આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. ઘણા મહિના પછી, સરકારે ધીરે ધીરે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું.સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) એ તેના સાપ્તાહિક વિશ્લેષણમાં જણાવ્યું કે, “આ વર્ષે એપ્રિલમાં બેરોજગારીમાં વધારો થયો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો આવ્યો છે. મે મહિનામાં બેરોજગારીનો દર ૧૦ ટકાથી વધુ રહે તેવું અનુમાન છે.” ” નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સરેરાશ બેરોજગારી દર ૮.૮ ટકા હતો.સીએમઆઈઈનાં આંકડા બતાવે છે કે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત પાંચમા અઠવાડિયામાં ૧.૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. માર્ચના છેલ્લા અઠવાડિયાથી ઇન્ડેક્સમાં ૯.૧ ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષનાં એપ્રિલમાં, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ૨૦૧૯-૨૦ ની સરખામણીએ લગભગ ૪૯ ટકા નીચે હતો. ગયા વર્ષે એપ્રિલમાં, તે ૨૦૧૯-૨૦ ની સરેરાશથી લગભગ ૫૭ ટકા જેટલું હતું.સીએમઆઈઈનાં જણાવ્યા મુજબ, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કુટુંબની આવકમાં ઘટાડો અને ભવિષ્ય અંગે નિરાશા છે. આંકડા બતાવે છે કે લગભગ ૫૫.૫% પરિવારની આવકમાં ઘટાડો થયો છે. ૪૧.૫ ટકા પરિવારોએ જણાવ્યું કે એક વર્ષ પહેલાની તુલનામાં તેમની આવકમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ફક્ત ૩.૧ ટકા પરિવારોએ જણાવ્યું કે એક વર્ષ પહેલાની તુલનામાં તેમની આવકમાં વધારો થયો છે. સીએમઆઈઈનું એમ પણ કહેવું છે કે સપ્ટેમ્બરથી સપ્લાયથી અર્થવ્યવસ્થાનાં ક્ષેત્રે સુધારો થઈ રહ્યો છે. આર્થિક પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હટાવવાને કારણે આવું બન્યું છે. ગયા વર્ષે માર્ચમાં લોકડાઉન શરૂ થયા બાદ આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી, જેણે સપ્લાયને ગંભીર અસર કરી હતી.