મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ૭ દિવસ માટે યથાવત રાખવાનો અને કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા. તા.૨૧ મે-ર૦ર૧ થી તા. ૨૮મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.
તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ ૭ દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૨૧ મે-ર૦ર૧ થી તા. ૨૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ ચાલુ રહેશે.
રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ અને હોમ ડિલિવરી સવારે ૯થી રાત્રે ૮ સુધી ચાલુ રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના-મોટા વેપારીઓ, દુકાનદારો અને લારી-ગલ્લા ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા જાહેર કર્યુ છે કે આ ૩૬ શહેરોમાં આ નિયંત્રણો દરમિયાન દુકાનો-વાણિજયીક સંસ્થાઓ-રેસ્ટોરન્ટ-લારી ગલ્લાઓ-શોપીંગ કોમ્પ્લેક્ષ-માર્કેટીંગ યાર્ડ-હેર કટીંગ સલુન-બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.
આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.
આ ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.
રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.
સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરીને તેમજ વેકસીનેશન કરાવીને કોરોના સંક્રમણથી મુકત રહેવા પણ મુખ્યમંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો છે.