
અમદાવાદ શહેરના મેમકો બ્રિજ પર માનવતા દાખવતો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. બાઈક પર જતા એક યુવકના ગળામાં અચાનક પતંગની દોરી વાગતા ગંભીર રીતે ગળું કપાયું હતું. આ ઘટનામાં યુવક લોહીલુહાણ હાલતમાં માર્ગ પર અટવાઈ ગયો હતો. ત્યારે ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલે તાત્કાલિક 108ની રાહ જોયા વગર નજીકની હોસ્પિટલમાં પોતાના બાઈક પર બેસાડીને લઈ ગયા હતા. ગઈકાલે 22 ડિસેમ્બરના રોજ મેમકો ચાર રસ્તા ખાતે બપોરના સમયે બાઇક સવારને દોરી વાગતા ગળાના ભાગે લોહી નીકળવાનું શરૂ થયું હતું. ત્યારે ત્યાંથી પસાર થતાં એક પોલીસ કોન્સ્ટેબલ તુરંત જ 108ની રાહ જોયા વગર પોતાની બાઈક ઉપર બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યો અને એક જીવ બચાવ્યો હતો. તે દરમિયાન ત્યાં ફરજ પર હાજર પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને સમજી ઝડપી કાર્યવાહી કરી. કોઈ વિલંબ કર્યા વગર પોલીસે ઇજાગ્રસ્ત યુવકને પોતાની બાઇક પર બેસાડી નજીકની મેમકો આનંદ સર્જિકલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવતા યુવકનો જીવ બચી ગયો હતો. ઉત્તરાયણના તહેવારને 20 દિવસ પહેલા શહેરમાં પહેલી એવી ઘટના બની હતી જેમાં કોઈ બાઈકચાલકને ગળામાં પતંગની દોરી વાગી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પતંગની દોરી વાગવાના કારણે યુવકના ગળાના ભાગે અંદાજે 20 ટાંકા આવ્યા છે. હાલ યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અમદાવાદ પોલીસ માત્ર કાયદાની રક્ષા નહીં, પરંતુ જરૂર સમયે લોકો માટે દેવદૂત બનીને પણ આગળ આવે છે.