સુરતની RFO સોનલ સોલંકીનું 48 દિવસ બાદ અમદાવાદમાં મોત

Spread the love

 

સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલાં મહિલા આર.એફ.ઓ. સોનલ સોલંકીનું આખરે 48 દિવસની સારવાર બાદ આજે (23 ડિસેમ્બર) સવારે અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યું છે. સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગત 9 ડિસેમ્બરના રોજ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં કોઇ સુધારો થયો નહોતો. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા શખસો દ્વારા ગત 6-11-2025ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આ હુમલો બીજું કોઈ નહીં, પરંતુ સોનલ સોલંકીના આર.ટી.ઓ. (RTO) પતિએ જ સોપારી આપીને કરાવ્યો હતો. પત્નીએ પતિને પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપ્યો તો પતિએ પત્નીને જ મોતને ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું. હાલ RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર જેલમાં છે. હુમલા દરમિયાન ગોળી સોનલ સોલંકીના માથાના ભાગે વાગી હતી. ઘટના બાદ તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને તેમના માથામાંથી ગોળી તો કાઢી લેવામાં આવી હતી, પરંતુ ગોળીને કારણે મગજમાં થયેલું નુકસાન અતિગંભીર હતું. સર્જરી બાદ પણ તેમની સ્થિતિ ક્યારેય સામાન્ય થઈ શકી નહોતી, જેના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યાં હતાં.
અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતાં પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં RFOને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સોનલ સોલંકીના નિધન સાથે જ હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ અને કડક બનશે. અત્યારસુધી પોલીસ દ્વારા ‘હત્યાના પ્રયાસ’ હેઠળ તપાસ ચાલતી હતી, પરંતુ હવે સોનલબેનનું મોત થતાં પોલીસ આરોપી પતિ અને સંડોવાયેલા અન્ય શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ‘હત્યા’ નો ગુનો દાખલ કરશે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું એ સમયે મુખ્ય આરોપી નિકુંજ ઘટનાસ્થળથી માત્ર 5 કિમી દૂર ઊભો હતો. જ્યારે તેના મિત્ર ઇશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઇશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ઇશ્વરપુરીએ કબૂલ્યું હતું કે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ તે મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભીમાશંકર પહોંચી ગયો હતો. આ કબૂલાત બાદ પોલીસની એક ટીમ ઇશ્વરપુરીને સાથે રાખીને ભીમાશંકર પહોંચી હતી, જ્યાં તે એક હોટલમાં રોકાયો હતો, જોકે ઇશ્વરપુરી પોલીસને હોટલ સુધી પહોંચવામાં ગોળ ગોળ ફેરવી રહ્યો છે અને તપાસમાં સહકાર આપતો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *