કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોનાથી પ્રભાવિત છે. રાજ્ય સરકાર કોરોનાને નાથવા સતત પ્રયત્નો કરી રહી છે. તેમણે કહ્યું કે 24 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા બાદ મારે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.
કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકારે વેપાર-ધંધાને છૂટ અપાઇ
કોરોના મુક્ત થયા બાદ પણ ઓક્સિજન લેવલ ઓછું હોવાથી મારે વધુ 10 દિવસ ઘરે આરામ કરવો પડ્યો.નીતિન પટેલે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકારે વેપાર-ધંધાને છૂટ આપી છે. જો આ જ પ્રકારે કેસમાં સતત ઘટાડો થશે તો સરકાર દુકાનો ખોલવાની સમયમર્યાદામાં વધારો કરશે.
ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસ રોગનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે નીતિન પટેલે જણાવ્યું કે મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલ દર્દીઓ માટે જરૂરી એવા ઇન્જેક્શનની અછત છે પરંતુ સરકાર વધુ ઇન્જેક્શન મળે તે માટે પ્રયાસો કરી રહી છે.