ઠાકોર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: ‘એક સમાજ, એક રિવાજ’ના સૂત્ર સાથે અમલી બનશે આ 16 નવા નિયમ

Spread the love

 

ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજો અને દેખાદેખીના ખર્ચને તિલાંજલિ આપવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. પાટણ ખાતે યોજાયેલા ‘બંધારણ મહાસંમેલન’માં સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં સમાજના આગેવાનોએ નવા સામાજિક બંધારણના શપથ લીધા હતા. આ નવા બંધારણમાં ભાગીને લગ્ન કરનારને સમાજમાં સ્થાન ન આપવા સહિત કુલ 16 કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

શિક્ષણ પર ભાર, કુરિવાજો પર પ્રહાર
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડીને તે રકમ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવાનો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “શિક્ષણ જ તમામ બદીઓનો રામબાણ ઈલાજ છે. આર્થિક સધ્ધરતા લાવવા અને દેખાદેખી દૂર કરવા માટે આ બંધારણ અમલી બનાવવું અનિવાર્ય છે.”

ઠાકોર સમાજના નવા 16 નિયમો પર એક નજર

1. પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર:
ભાગીને કરેલા લગ્ન કે મૈત્રી કરારને ઠાકોર સમાજ ક્યારેય સ્વીકારશે નહીં કે સમર્થન આપશે નહીં.

2. સગાઈ પ્રસંગમાં સાદગી:
સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે. ભેટમાં માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે. ઓઢમણા પ્રથા સંપૂર્ણ બંધ કરાઈ છે.

3. લગ્નમાં વાહન અને મહેમાનોની મર્યાદા:
જાનમાં વધુમાં વધુ 11 વાહનો અને 100 વ્યક્તિઓ (10 વર્ષથી ઉપરના બાળકો સહિત) જ જઈ શકશે. ગાડીઓની લાંબી કતારો લગાવવા પર પ્રતિબંધ છે.

4. DJ અને વરઘોડા પર પ્રતિબંધ:
લગ્નપ્રસંગે DJ, સનરૂફ ગાડી અને વરઘોડા કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે. માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે.

5. લગ્નની કંકોત્રી અને આમંત્રણ:
લગ્ન લખવાની પ્રથા બંધ કરી ડિજિટલ આમંત્રણ કે સાદા કાર્ડ પર ભાર મુકાયો છે.

6. મર્યાદિત જમણવાર:
જમણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવી. મેનુમાં દાળ-ભાત, કઠોળ, શાક અને રોટલી જેવી સાદી આઈટમો જ રાખવી.

7. મામેરું અને ઘરેણાં:
મામેરામાં દાગીનાને બદલે 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે. સામાવા (પડલા) માં પણ જૂજ ઘરેણાં જ લઈ જવા.

8. જન્મદિવસની ઉજવણી:
જન્મદિવસના ખોટા ખર્ચ બંધ કરી તે રકમ સમાજની લાઈબ્રેરી કે શૈક્ષણિક સંસ્થામાં દાન આપવાની અપીલ કરાઈ છે.

9. વ્યસન મુક્તિ:
કોઈપણ સામાજિક પ્રસંગમાં બીડી, અફીણ કે અન્ય નશાકારક પદાર્થોના ઉપયોગ પર સખત પ્રતિબંધ છે.

10. મરણ પ્રસંગમાં સાદગી:
મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો જ આગ્રહ રાખવો.

ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર
જો કોઈ વ્યક્તિ આ નવા બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો સમાજ અને તેના પરિવારજનોએ તે પ્રસંગમાં હાજરી આપવી નહીં. દરેક તાલુકા અને ગ્રામ્ય સ્તરે ‘સંકલન સમિતિ’ બનાવવામાં આવશે જે આ નિયમોનું પાલન કરાવશે.

4 જાન્યુઆરીએ વિધિવત્ અમલ
આગામી 4 જાન્યુઆરીએ બનાસકાંઠાના ઓગાડ ખાતે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાશે. જેમાં 50,000 થી વધુ લોકોની હાજરીમાં આ બંધારણનો વિધિવત્ અમલ શરૂ કરવામાં આવશે. ત્રણ જિલ્લાના 27 તાલુકાઓમાં આ નિયમો લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *