b1018bd5-c958-434a-afb1-8465c8b6016f
આ પ્લાન્ટ થકી ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઊર્જા ઉત્પાદન કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે
*- ઓક્ટોબર–2024 થી અત્યાર સુધીમાં આ પ્લાન્ટ દ્વારા કુલ 2.96 લાખ ટન ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો*
*- આ જ અવધિ દરમિયાન પ્લાન્ટ દ્વારા કુલ 1234.61 લાખ યુનિટ (કિલોવોટ અવર) વીજળીનું ઉત્પાદન થયું*
*- અત્યાર સુધીમાં 713.30 લાખ કિલોગ્રામ ફોસિલ ફ્યુઅલ (કોયલા)ની બચત શક્ય બની*
*- 1.93 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો*
*- 10641.37 ટન મિથેન ગેસ હવામાં ભળતો અટકાવવામાં આવ્યો*
*- અત્યાર સુધીમાં 786.291 મિલિયન લિટર તાજા પાણીની બચત શક્ય બની
અમદાવાદ
અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. આ દિશામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ કાર્યરત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ કાર્યરત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા કચરાનું વૈજ્ઞાનિક સંચાલન, ઊર્જા ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને પાણી બચત જેવી પહેલ શહેરને વૈશ્વિક કક્ષાના ખેલોત્સવ માટે તૈયાર કરી રહી છે. આ વ્યવસ્થાઓથી અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય ખેલોત્સવ માટે ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ તરીકે તૈયાર થઇ રહ્યું છે.
શહેરને વૈશ્વિક સ્તરે પર્યાવરણમૈત્રી, સ્વચ્છ અને ટકાઉ શહેર તરીકે વિકસાવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત મહત્વપૂર્ણ પહેલો કરી રહ્યું છે. આ દિશામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ કાર્યરત જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ (અમદાવાદ) લિમિટેડ દ્વારા સંચાલિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શહેરના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય આધારસ્તંભ બની રહ્યો છે. ઓક્ટોબર 2024માં શરૂ થયેલ આ આધુનિક વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ આજે કચરાને ભાર નહીં પરંતુ ઉપયોગી ઊર્જા તરીકે રૂપાંતરિત કરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઊર્જા ઉત્પાદન કરવાની આ યોજના 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની તૈયારીને વધુ મજબૂત બનાવે છે.ઓક્ટોબર–2024 થી અત્યાર સુધીમાં આ પ્લાન્ટ દ્વારા કુલ 2.96 લાખ ટન ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પરિણામે ખુલ્લામાં કચરો ફેંકવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને શહેરની સ્વચ્છતામાં ગુણાત્મક સુધારો જોવા મળ્યો છે. આ જ અવધિ દરમિયાન પ્લાન્ટ દ્વારા કુલ 1234.61 લાખ યુનિટ (કિલોવોટ અવર) વીજળીનું ઉત્પાદન થયું છે, જેનો ઉપયોગ મહાનગરપાલિકાના નિર્ધારિત હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે.
પર્યાવરણ દ્રષ્ટિએ પણ આ પ્લાન્ટે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં 713.30 લાખ કિલોગ્રામ ફોસિલ ફ્યુઅલ (કોયલા)ની બચત શક્ય બની છે, જ્યારે 1.93 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત 10641.37 ટન મિથેન ગેસ હવામાં ભળતો અટકાવવામાં આવ્યો છે, જે ગ્રીનહાઉસ ગેસ નિયંત્રણ માટે નોંધપાત્ર યોગદાન છે.પાણી સંરક્ષણની દિશામાં પણ પ્લાન્ટ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં એસ.ટી.પી. (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ના પાણીનો પુનઃઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં 786.291 મિલિયન લિટર તાજા પાણીની બચત શક્ય બની છે. આવનારા વર્ષોમાં મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન પાણીની માંગ વધતી હોય છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થા શહેર માટે દીર્ઘકાલીન રીતે લાભદાયી સાબિત થશે.
2030 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દેશ-વિદેશના ખેલાડીઓ અને લાખો દર્શકો અમદાવાદમાં આવશે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલોત્સવ દરમિયાન ટૂંકા સમયગાળામાં ઘન કચરાનું પ્રમાણ અચાનક વધે છે. આવી પરિસ્થિતિમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કચરાનું ઝડપી અને વૈજ્ઞાનિક સંચાલન કરીને શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને પર્યાવરણમૈત્રી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે સાથે, અહીં ઉત્પન્ન થતી વીજળી ગ્રીડ મારફત રમતગમત સ્થળો, લાઇટિંગ અને સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી બની શકશે.આ રીતે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકાયેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માત્ર દૈનિક સ્વચ્છતા અને કચરા સંચાલન પૂરતો સીમિત ન રહી, પરંતુ 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે શહેરને ‘ગ્રીન, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્પોર્ટ્સ સિટી’ તરીકે વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


