
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ યસ બેંકમાં સોમવારે રાત્રિના 11.35 વાગ્યા આસપાસ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં અવતા તાત્કાલિક સ્થળ પર 3 ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીઓની તપાસમાં બેંકમાં રહેલું તમામ ફર્નિચર, 12 જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, કેશની તિજોરી સ્ટીલની હોવાથી સદનસીબે તેમાં કોઈ નુકસાન થયું નથી. તેમજ આ બ્રાન્ચમાં લોકર પણ નહીં હોવાથી મોટી નુકસાની ટળી છે. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલ પોલીસ અને ફાયરની ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બિલ્ડિંગના પહેલા માળે આવેલ યસ બેંકમાં 2 ફેબ્રુઆરીની રાતે 11.35 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જે બાદ ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગ લાગવાના કારણે વધુ ગરમ થવાથી બેંકની બારીના કાચ ફૂટી નીચે રોડ પર ફૂટી રહ્યા હતા. આગ લાગવાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવતા ત્રણ જેટલા ફાયર ફાઈટરની મદદથી આગ પર પાણીં મારો ચલાવી કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.
પ્રથમ બેંકના આગળના ભાગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે થોડી મિનિટો બાદ ફરી આગ શરૂ થતા બાદમાં કટરની મદદથી બેંકનું શટર લોક તોડી બેંકમાં અંદર પ્રવેશ કરી અંદરની બાજુથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે બેંકનું તમામ ફર્નિચર, 12 જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાખ થઈ ગયાં છે. આગ લાગવાની જાણ બેંકના અધિકારીઓને પણ કરવામાં આવતા રાત્રિ દરમિયાન અધિકારીઓ પણ બેંક ખાતે દોડી આવ્યા હતા અને હેડ ઓફિસ ખાતે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસના પીઆઇ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. લગભગ 12.35 વાગ્યા આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.