અભિષેકસિંહ વાઘેલા, અમદાવાદતાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળેલા એક શંકાસ્પદ કેસને લઈને રાજ્યભરમાં ચર્ચા જાગી હતી. જોકે, અમદાવાદના જાણીતા વાયરસ નિષ્ણાંત ડૉ. કમલેશ ઉપાધ્યાયે સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસ મુજબ આ કેસ હડકવા (રેબીઝ)નો નથી. આ નિવેદન સાથે તેમણે હડકવા જેવા ગંભીર રોગ સામે જાગૃત રહેવા માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે.
હડકવો શું છે અને તે કેવી રીતે ફેલાય છે?ડૉ. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ હડકવો એ પ્રાણીઓ દ્વારા ફેલાતો એક અત્યંત ખતરનાક વાયરસ છે. આ રોગ મુખ્યત્વે હડકાયા કૂતરા, બિલાડી કે વાંદરા જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમની લાળ માનવ લોહીના સંપર્કમાં આવવાથી થાય છે.
જ્યારે કોઈ ચેપગ્રસ્ત પ્રાણી કરડે છે, ત્યારે રેબીઝ વાયરસ શરીરમાં પ્રવેશે છે. ડૉક્ટરે સમજાવ્યું કે, “આ વાયરસ શરીરના ઘા વાળા ભાગથી ચેતાતંત્રમાં પ્રવેશે છે અને ધીમે ધીમે મગજ સુધી પહોંચે છે. એકવાર વાયરસ મગજ સુધી પહોંચી જાય, પછી દર્દીને બચાવવો લગભગ અશક્ય બની જાય છે.” આથી જ હડકવાને ‘ઘાતક’ રોગ માનવામાં આવે છે.
પ્રાણી કરડે ત્યારે શું કરવું? ડૉ. ઉપાધ્યાયે જણાવ્યું કે ગભરાવાને બદલે તાત્કાલિક લીધેલા પગલાં જીવ બચાવી શકે છે: સૌથી પહેલું પગલું: જો કોઈ પ્રાણી કરડે, તો તે જગ્યાને તાત્કાલિક સાબુ અને વહેતા પાણીથી ઓછામાં ઓછી 10 મિનિટ સુધી ધોવી જોઈએ. આનાથી વાયરસની અસર ઘણી ઓછી થઈ જાય છે.તબીબી સહાય: ઘરેલું ઉપચાર કરવાના બદલે તરત જ નજીકની હોસ્પિટલ પહોંચવું.રસીકરણ: ડૉક્ટરની સલાહ મુજબ રેબીઝ વેક્સિનના તમામ ડોઝ સમયસર લેવા.
ડોક્ટરની અપીલ: બેદરકારી ન રાખો“હડકવો ગંભીર છે પણ તે સો ટકા અટકાવી શકાય તેવો રોગ છે,” તેમ ડૉ. ઉપાધ્યાયે ઉમેર્યું. તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈપણ પશુ કરડે ત્યારે તેને સામાન્ય ઈજા માનીને અવગણશો નહીં. સમયસરની સારવાર અને જાગૃતિ જ આ જીવલેણ વાયરસ સામેનું સૌથી મોટું શસ્ત્ર છે.