૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ વિના જ પસાર

Spread the love

 

ભારતીય સંસદના ઈતિહાસમાં એક અણધાર્યા વળાંક તરીકે નોંધાઈ ગયો છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ વિના જ પસાર કરી દેવામાં આવ્યો હતો. સંસદીય પરંપરા મુજબ, વડાપ્રધાનનો જવાબ એ સરકારની નીતિઓ અને વિપક્ષના સવાલોના સમાધાન માટેની સૌથી મહત્વની પ્રક્રિયા ગણાય છે. જોકે, વિપક્ષના પ્રચંડ હોબાળાને કારણે આ પરંપરા ૨૧ વર્ષ બાદ ફરી એકવાર તૂટી છે. છેલ્લે જૂન ૨૦૦૪માં તત્કાલીન પીએમ મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હોબાળાને કારણે તેઓ બોલી શક્યા ન હતા.
આ વિવાદનું મુખ્ય કારણ પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક અને ભારત-ચીન સરહદ વિવાદ પરની ચર્ચા છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીને આ મુદ્દે બોલતા અટકાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી ભારત ગઠબંધનના સાંસદોએ સવારથી જ ગળહ ગજવી મૂકયું હતું. મંગળવારે કોંગ્રેસના આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી સંસદમાં જાણે જંગ છેડાયો હોય તેવો માહોલ છે. બુધવારે પીએમ મોદી જવાબ આપવાના હતા. પરંતુ હંગામો ન અટકતા સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી મુલતવી રાખી હતી અને અંતે ગુરુવારે ધ્વનિ મતથી પ્રસ્તાવ પસાર કરવાની ફરજ પડી હતી.
આ ઘટનાક્રમે દેશની બે મુખ્ય રાજકીય શક્તિઓ વચ્ચેના વિશ્વાસના અભાવને ફરી સપાટી પર લાવી દીધો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ૨૦૦૪ની ઘટનાનો વીડિયો શેર કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ સરકારનો દાવો છે કે વિપક્ષ જાણી જોઈને લોકશાહી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી રહ્યો છે. સંસદમાં જ્યારે વડાપ્રધાન જેવું સર્વોચ્ચ પદ ધરાવતી વ્યક્તિ પોતાનો પક્ષ ન રજૂ કરી શકે, ત્યારે તે માત્ર કાયદાકીય વિલંબ જ નહીં, પણ લોકશાહીના સંવાદ પર પણ ગંભીર પ્રશ્નચિન ઉભું કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ ગતિરોધ વચ્ચે બજેટ સત્રના બાકીના દિવસોમાં કોઈ કામકાજ થઈ શકશે કે નહીં

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *