
રાજકોટ સહિત રાજ્યભરમાં મતદારયાદીમાંથી 12 લાખ નામ રદ કરવા માટે ફોર્મ નં.7 ભરાતા ભડકો થવા પામેલ છે. મતદારયાદીમાંથી આટલી મોટી સંખ્યામાં નામ રદ કરવા માટે ફોર્મ ભરાતા ઉઠેલા વિવાદના પગલે કેન્દ્રીય ચૂંટણી પંચના રોલઓબ્ઝર્વર મિશ્રા ગુજરાત દોડી આવ્યા છે. રોલઓબ્ઝર્વર મિશ્રાએ આજે રાજકોટની મુલાકાત દરમ્યાન ઉઘડતી કચેરીએ જ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરો, ડેપ્યુટી કલેકટરો અને મામલતદારો સાથે રિવ્યુ બેઠક યોજી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (એસઆઇઆર)ની સમીક્ષા કરી હતી. જેમાં મતદાર યાદી સુધારાણાની કામગીરી ઝડપભેર પુર્ણ કરવા માટે તેઓએ રાજકોટ તેમજ મોરબી અને સુરેન્દ્રનગરના ચૂંટણી અધિકારીઓને આદેશ આપેલ હોવાનું જાણવા મળ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ ચાલુ માસ દરમ્યાન જ કરવામાં આવનાર છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર મિશ્રાએ તાબડતોબ ગુજરાત દોડી આવી જિલ્લા ક્લેક્ટરો અને અધિકારીઓ સાથે એસઆઇઆર સંદર્ભે બેઠકોનો દોર રાજ્યમાં શરુ કર્યો છે.
જેમાં રોલઓબ્ઝર્વર મિશ્રાએ આજે રાજકોટની મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લા કલેક્ટરો તેમજ ડેપ્યુટી કલેક્ટરો અને મામલતદારો સાથે યોજેલ રિવ્ય બેઠકમાં કામગીરીનો રીપોર્ટ લીધો હતો અને જે કામગીરી બાકી છે તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે આદેશ આપેલ હતો. રાજકોટ જિલ્લાની મતદારયાદીમાંથી મતદારોના નામ રદ કરવા માટે 36400થી વધુ ફોર્મ-7 ભરાયા છે. જ્યારે રાજ્યમાં 12 લાખ નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા ફોર્મ ભરાતા વિવાદ ઉભો થયો છે.આ પ્રકરણમાં કેન્દ્રીય ચૂંટણી પંચના રોલ ઓબ્ઝર્વર મીશ્રાએ ગુજરાત દોડી આવેલ છે. અને દરેક જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરશે.