
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી દિનશા પટેલ કોલેજ ગંભીર વિવાદોના વમળમાં ફસાઈ છે. અનુસૂચિત જાતિના એક તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થી જય પાટીલના આપઘાતના મામલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પીડિત પરિવાર અને સમાજના અગ્રણીઓએ ન્યાયની માંગ સાથે નડિયાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મૃતક વિદ્યાર્થી જય પાટીલ આ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારનો આક્ષેપ છે કે કોલેજના સ્ટાફના કેટલાક જવાબદાર વ્યક્તિઓ દ્વારા તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. આ સતત થઈ રહેલી હેરાનગતિથી કંટાળીને અંતે જયે અંતિમ પગલું ભરી લીધું છે. શોકમગ્ન પિતાએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે, “મારો પુત્ર ભણવામાં હોશિયાર હતો, પણ કોલેજના સ્ટાફના દબાણને કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મારા પુત્રને મરવા મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ.”
આજે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આવેદનપત્ર આપીને જવાબદારો સામે તાત્કાલિક ગુનો (FIR) નોંધવાની માંગ કરી હતી. લોકોનો આક્રોશ એટલો વધારે હતો કે પોલીસ છાવણીમાં રૂપાંતર પામેલી કચેરી પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જય ભીમના નારા લગાવી ન્યાયની માંગણી કરી હતી.પરિવાર અને સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી તેની તપાસ DYSP કક્ષાના ઉચ્ચ અધિકારીને સોપવામાં આવે. સામાન્ય પોલીસ તપાસમાં તથ્યો દબાઈ જવાની ભીતિ સેવાતા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પ્રબળ બની છે.જો પોલીસ તંત્ર આ મામલે પક્ષપાતભર્યું વલણ રાખશે અથવા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરશે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે. નિર્દોષ વિદ્યાર્થીના જીવ ગુમાવ્યા બાદ ન્યાયની આ લડાઈ હવે માત્ર એક પરિવાર પૂરતી મર્યાદિત ન રહેતા લોક આક્રોશમાં ફેરવાઈ રહી છે.