દીકરીના મોતના 2 વર્ષ બાદ માતાને ન્યાય મળ્યો

Spread the love

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે વર્ષ પૂર્વે પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી પતિને ગાંધીનગર ત્રીજા એડિશનલ ડિસ્કટ્રીક્ટ જજ પી. એમ. ઉનડકટે તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા સ્નેહલતાબેન સોલંકીની 26 વર્ષીય પુત્રી આરતીના લગ્ન ફેબ્રુઆરી 2022માં ચાંદખેડાના કિર્તન ટેનામેન્ટમાં રહેતા વિશાલ સોમાભાઇ પરમાર સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા જ સમય બાદ વિશાલની અસલિયત સામે આવી હતી. વિશાલ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને કોઈ કામધંધો કરતો નહોતો. ઘરખર્ચ અને દારૂના પૈસા બાબતે તે અવારનવાર આરતી સાથે ઝઘડો કરી તેને ઢોર માર મારતો હતો.જે અંગે આરતી અવારનવાર ફોન પર માતા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતી હતી. જેને એક દિવસ વિશાલે માર મારી મધરાતે ઘરની બહાર કાઢી મુકી હતી. જોકે સામાજિક મર્યાદા અને ઘર તૂટે નહીં તે હેતુથી આરતીને ફરી સાસરીમાં મોકલવામાં આવી હતી. પરંતુ વિશાલના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તે ઘણીવાર તેની માતાને કહેતી કે હું આ ત્રાસથી કંટાળીને મરી જઈશ. બાદમાં ગત 3 માર્ચ 2024ની રાત્રે આશરે પોણા અગિયાર વાગે પરિવારને જાણ થઈ હતી કે, આરતીએ આપઘાત કરી લીધો છે. જે અંગે ચાંદખેડા પોલીસે આરોપી પતિ વિશાલ પરમાર વિરુદ્ધ માનસિક શારીરિક ત્રાસ અને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરયો હતો.
જે કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એમ. ઉનડકટની સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પ્રીતેશ વ્યાસે દલીલ કરેલી કે, આરોપીએ લગ્નના બે મહિનાના ટૂંકા ગાળામાં જ પત્નીને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હતી. આથી સમાજમાં દાખલો બેસે એવી સજા આરોપીને મળવી જોઈએ. જે દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટ આરોપી વિશાલ પરમારને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *