શહેરનો AQI સુધારવા રેતી-કપચીના વાહનોને 10 હજારનો દંડ

Spread the love

ગાંધીનગર શહેરની હવાની ગુણવત્તા એટલે કે AQI જાળવી રાખવા અને વધતા પ્રદૂષણને અટકાવવા માટે મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અન્વયે હવે રેતી, કપચી કે અન્ય કન્સ્ટ્રક્શન મટીરીયલનું વહન કરતા વાહનોને ફરજિયાતપણે તાડપત્રી કે યોગ્ય કવરથી ઢાંકવાના રહેશે નહીં તો 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.ગાંધીનગર શહેરની હવાની ગુણવત્તા એટલે કે AQI ને સુરક્ષિત સ્તર પર જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વાતાવરણમાં ભળતા સૂક્ષ્મ રજકણો અને ધૂળની ડમરીઓને અટકાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ રેતી, કપચી અને બિલ્ડિંગ મટીરીયલ્સના વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટર્સ સાથે એક ખાસ સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં સૂચના આપવામાં આવી કે વિકાસના કામોની સાથે પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. બેઠક દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરે વેપારીઓને કડક સૂચના આપી જણાવ્યું હતું કે, બિલ્ડિંગ મટીરીયલ્સનું પરિવહન કરતી વખતે ઉડતા રજકણો વાયુ પ્રદૂષણ વધારવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવેથી કોઈપણ વાહનમાં રેતી કે કપચી ભરીને પરિવહન કરવામાં આવે ત્યારે તેને ચારેબાજુથી અને ઉપરથી યોગ્ય રીતે ઢાંકવું ફરજિયાત રહેશે.
ઉપરાંત મટીરીયલ નિર્ધારિત સ્થળે ખાલી કર્યા બાદ વાહનના પૈડા અને બોડી પર ચોંટેલી ધૂળ કે રજકણો રસ્તા પર ન ફેલાય તે માટે વાહનને સંપૂર્ણ રીતે વોશ કર્યા પછી જ જાહેર માર્ગો પર લાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગે વર્ષ 2026-27નું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલીકરણમાં જો કોઈ પણ વેપારી, કોન્ટ્રાક્ટર કે વાહન ચાલક બેદરકારી દાખવશે તો તેમની સામે પબ્લિક હેલ્થ બાઇલોઝ-2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ બદલ જી.પી.એમ.સી. એક્ટની કલમ-458(19) ની જોગવાઈઓ હેઠળ તંત્ર દ્વારા 5 થી 10 હજાર સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *