સંપત્તિની ખરીદ વેચાણ કરતી વખતે તેના નિયમો ધ્યાનમાં રાખવા ખુબ જરૂરી રહે છે. બેનામી સંપત્તિ, કાળા નાણાનો ઉપયોગ એ પ્રોપર્ટી બજારમાં મોટા પડકારો બની રહેતા હોય છે. હવે ઉત્તર પ્રદેશની સરકારે આ પડકારો પર કાબૂ મેળવવા માટે મોટો નિર્ણય લીધો છે જે મુજબ પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ વખતે તમારે પાનકાર્ડ રજૂ કરવું જરૂરી રહેશે. સરકારે જમીન, મકાન કે પછી કોઈ પણ પ્રકારની અચલ સંપત્તિની ખીદી માટે પાન કાર્ડ ફરજિયાત કર્યું છે.
રિજસ્ટ્રી વિભાગે આ આદેશ બહાર પાડ્યો છે. જે હેઠળ સંપત્તિની ખરીદી કે વેચાણ કરતી વખતે રજિસ્ટ્રી સમયે પાન કાર્ડ રજૂ કરવું અને તેની ખરાઈ કરાવવી જરૂરી રહેશે.
શું છે નિયમની વિગતો
સરકાર તરફથી આ આદેશ તમામ જિલ્લાઓની રજિસ્ટ્રી ઓફિસોને મોકલી દેવાયો છે. અધિકારીઓને કહેવાયું છે કે પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ ટાણે ઓનલાઈન અરજીમાં ખરીદનાર અને વેચાણ કરનાર બંનેના પાન નંબર નોંધવામાં આવે. PANની વિગતો વગર રજિસ્ટ્રીની પ્રક્રિયા આગળ વધારવી નહીં.
કેમ લેવાયો આ નિર્ણય
અત્રે જણાવવાનું કે યુપી સરકારે આ નિર્ણય શંકાસ્પદ લેવડદેવડ અને બેનામી સંપત્તિના પડકારોને પહોંચી વળવા માટે આ પગલું ભર્યું છે. નેપાળ-ભારત સરહદી વિસ્તારોમાં વિદેશી ફંડિંગથી જમીન ખરીદવાની અને ખોટી રીતે રોકાણના મામલાઓ સામે આવતા રહે છે. પાન જરૂરી બનતા લેવડદેવડના રેકોર્ડ યોગ્ય રીતે ટ્રેક કરી શકાશે.
બીજી બાજુ રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે આ નિયમ લાગૂ થવાથી સંપત્તિનું ખરીદ વેચાણ વધુ પારદર્શક બનશે. ગેરકાયદે રોકાણ પર કાબૂ મેળવવામાં મદદ મળશે. નિયમ સમગ્ર રાજ્યમાં લાગૂ થશે અને તમામ રજિસ્ટ્રી ઓફિસોને તેનું કડકાઈથી પાલન કરવા જણાવવામાં આવ્યં છે.. જો કોઈ પણ વ્યક્તિ સંપત્તિ ખરીદવા કે વેચવા માંગતી હતશે તો તેણે રજિસ્ટ્રી સમયે પોતાની PAN વિગતો આપવી જરૂરી રહેશે. તેના વગર રજિસ્ટ્રી શક્ય નહીં બને.