સાબરકાંઠા: આડા સંબંધમાં અડચણ બનતા દિયરની ભાભીએ જ હત્યા કરાવી, એક મેસેજે પાપનો ભાંડો ફોડ્યો

Spread the love

 

સાબરકાંઠા જિલ્લામાં લોહીના સંબંધોને લજવતી એક ઘટના સામે આવી છે. પ્રેમમાં અંધ બનેલી એક મહિલાએ પોતાના જ દિયરને રસ્તામાંથી હટાવવા માટે જે ખૌફનાક કાવતરું ઘડ્યું, તેનાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. માત્ર એક મોબાઈલ મેસેજ અને પોલીસની સતર્કતાએ “આદર્શ ભાભી” હોવાનો ઢોંગ કરતી મહિલાનો અસલી ચહેરો ખુલ્લો પાડી દીધો છે.પ્રાંતિજ તાલુકાના સાડોલીયા ગામે રહેતો વિષ્ણુસિંહ મકવાણા ગત બુધવારથી ભેદી સંજોગોમાં ગુમ થયો હતો.

પરિવાર વિષ્ણુસિંહની ચિંતામાં હતો, જેમાં તેની ભાભી કોકિલા પણ ચિંતામાં હોવાનો નાટક કરી રહી હતી. પોતે શંકાના દાયરામાં ન આવે તે હેતુથી કોકિલાએ પોતે જ પોલીસ સ્ટેશન જઈ દિયર ગુમ થયો હોવાની રજૂઆત કરી હતી. જોકે, પોલીસની તીક્ષ્‍ણ નજર કોકિલાની બોલવાની ઢબ અને શંકાસ્પદ હાવભાવ પર ઠરી હતી. પ્રાંતિજ પોલીસે શંકાના આધારે જ્યારે કોકિલાનો મોબાઈલ ફોન તપાસ્યો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. તેના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો જેમાં લખ્યું હતું – “કામ થઈ ગયું”. આ ત્રણ શબ્દોએ પોલીસને હત્યાના છેડા સુધી પહોંચાડી દીધી. કડક પૂછપરછમાં કોકિલા ભાંગી પડી અને કબૂલાત કરી કે તેના દોલતસિંહ મકવાણા સાથે આડા સંબંધો હતા, અને વિષ્ણુસિંહ આ સંબંધમાં અડચણરૂપ બની રહ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વિષ્ણુસિંહ તાજેતરમાં જ જમીન વેચીને રૂપિયા લાવ્યો હતો. તેને પોતાની ભાભી કોકિલા અને દોલતસિંહના પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હતી, જેને લઈને તે અવારનવાર વિરોધ કરતો અને માથાકૂટ થતી હતી. આ રોજ-રોજની કકળાટ અને પોતાની જમીનના રૂપિયા પડાવવાના ઈરાદે કોકિલાએ તેના પ્રેમી સાથે મળીને દિયરની સોપારી આપી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ, અપરિણીત વિષ્ણુસિંહને ‘છોકરી જોવાની’ લાલચ આપવામાં આવી અને તેને ઇકો ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો. વિષ્ણુસિંહને ખ્યાલ પણ નહોતો કે તે જેને પોતાની નવી જિંદગીની શરૂઆત માની રહ્યો છે, તે તેની અંતિમ સફર છે. રસ્તામાં સુમસામ જગ્યાએ મોકો મળતા જ દોલતસિંહ અને તેના સાથીદારો વિક્રમસિંહ તથા રમેશસિંહે ગાડીમાં જ વિષ્ણુસિંહનો ગળે ટૂંપો દઈ હત્યા કરી દીધી અને લાશને અહમદપુરાની સીમમાં ખાડામાં ફેંકી દીધી.
હિંમતનગર વિભાગના DySP એ.કે. પટેલે જણાવ્યું કે, ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર ભાભી કોકિલા મકવાણા, તેનો પ્રેમી દોલતસિંહ અને સોપારી લેનાર વિક્રમસિંહ તથા રમેશસિંહની ધરપકડ કરી લીધી છે. પ્રેમના નશામાં અંધ બનેલી મહિલાએ પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે, અને હવે આ ચારેય આરોપીઓ કાયદાના સકંજામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *