
અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવેલા બ્રિજોમાં રીપેરીંગ કરવામાં આવશે. છ મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે 25 વર્ષથી વધુ સમયથી જુના બ્રિજોમાં બેરિંગ રીપેરીંગ અને જોઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે. મુખ્ય 6 રેલવે ઓવરબ્રિજમાં મેજર રીપેરીંગ કામ કરવામાં આવશે. બાકીના બ્રિજોમાં નાના રીપેરીંગ કરવાના છે. રૂ. 62 કરોડના ખર્ચે બ્રિજોના રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત સોમવારે મળનારી રોડ બિલ્ડીંગ કમિટીમાં મૂકવામાં આવી છે જેને મંજૂરી આપ્યા બાદ કામગીરી આગામી મહિનામાં શરૂ થઈ જશે. વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ તમામ બ્રિજોમાં ઇન્સ્પેક્શન કરાવવાના હતા જે અંતર્ગત અમદાવાદ શહેરના તમામ બ્રિજોના ચોમાસા પહેલા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યા હતા જેમાં જુલાઈ મહિનામાં બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં રેલ્વે અને ફ્લાય ઓવરબ્રિજોમાં મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા અંગેના રિપોર્ટ આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં સુભાષ બ્રિજમાં પણ મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનું ઉલ્લેખ કરાતો જોકે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સુભાષ બ્રિજમાં રીપેરીંગ કામ શરૂ થાય તે પહેલા જ તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી. સુભાષ બ્રિજમાં તિરાડ પડવા અને સ્પાન બેસી જવાની ઘટના બાદ જુલાઈ મહિનામાં બ્રિજ ઇન્સ્પેક્શન કંપની દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે શહેરમાં મુખ્ય છ રેલવે ઓવરબ્રિજ સહિતના અલગ અલગ બ્રિજમાં નાના-મોટા રીપેરીંગ કરવામાં આવશે. શાહીબાગ ગિરધરનગર, અસારવા ચામુંડા, મણીનગર નાથાલાલ ઝઘડા, ઘોડાસર કેડીલા, સાબરમતી ચીમનભાઈ પટેલ અને ચાંદલોડિયા બ્રિજમાં મોટા રીપેરીંગ કરવામાં આવશે. બીજામાં નાના રીપેરીંગ કરવામાં આવશે જેમાં બ્રિજના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લીફટીંગ કરી બેરીગ રીપ્લેસમેન્ટ કરાશે. બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીગની મેથડોલોજ ડિઝાઈન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તે મુજબ કામગીરી કરાવવામાં આવશે.
હાલની પરિસ્થિતિ મુજબ બ્રિજ નીચે ગોડાઉનો તથા દુકાનો આવેલી છે જે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સુધી બનાવવામાં આવી છે. બ્રિજના નીચેના ભાગેથી કામગીરી કરવામાં આવશે. બ્રિજ સ્પાન લિફ્ટિંગની કામગીરી કરવા માટે દુકાનો અને ગોડાઉનને તોડી પાડવામાં આવશે. જે બાદ ફરીથી દુકાનો અને ગોડાઉન કોર્પોરેશન જ બનાવી આપશે. બ્રિજ સ્પાન કામગીરી માટે હાઈડ્રોલીક રાખવા માટે જવા ન હોય તેવા સ્થાનમાં અલગથી ટેમ્પરથી સપોર્ટ સ્ટીલસ્ટ્રક્ચર તૈયાર કરી પ્રોપર સેફટી સાથે સ્પાન શીફટીંગ કરવાની કામગીરી કરાશે.
બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીંગ કર્યા બાદ હયાત બેરીંગ રીમુવ કરી નવી બેરીંગ ઈનસ્ટોલ કરવા માટે પીઅરકેપ, પેડસ્ટલ અને એબટમેન્ટના ટીપ ઉપર જરૂરીયાત મુજબ પ્રોપર સફાઈ કરી લાઈન લેવલ માટે એપોસી બેટિંગ કરવાની કામગીરી કરવામાં આવશે. નવી બેરીંગ લગાવી ફરીથી સ્પાન મૂળ સ્થાને મુકવાની કામગીરી કરી દેવાશે. રીપેરીંગ કરવાના થતા બ્રિજો ખુબ જ જુની ડિઝાઈન મુજબ હોવાથી સીરામીક એરેસ્ટર ન કોઈ, બંન્ને બાજુ ફેબ્રીકેશન સ્ટ્રક્ચરના સીરામીક સેરેસ્ટર મુકવાની કામગીરી કરવામાં આવશે.
કામગીરી દરમિયાન ભારે વાહનની અવરજવર બંધ કરાશેઃબ્રિજ પર રીપેરીંગની કામગીરી દરમિયાન ટ્રાફીકમાં અસર ન પડે તે માટે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો બ્રિજ પર અવર-જવર માટે બંધ કરવામાં આવશે. નવી ટેક્નોલોજી મુજબ ટેમ્પરરી બેલી સ્ટ્રક્ચર તથા જરૂરી સાઇનેજસ તેમજ ટ્રાફીક માર્શલ રાખી માત્ર નાના વાહનોની અવર જવર ચાલુ રાખી બેરીંગ રીપ્લેસમેન્ટની કામગીરી કરવામાં આવશે. બ્રિજને સંપૂર્ણપણે બંધ નહીં કરાય પરંતુ ચાલુ ટ્રાફિકમાં આ રીપેરીંગ કામગીરી ચાલશેનાથાલાલ ઝઘડીયા રેલ્વે ઓવરબ્રિજમાં બંન્ને બાજુની જર્જરીત થયેલી આર.સી.સી. રેલીંગ દુર કરી તેની જગ્યાએ આર.સી.સી કેશ બેરીઅર મુકવાની કામગીરી કરવામાં આવશે.બ્રિજના સ્પાન ઉતારી બેરીંગ બદલવાની કામગીરી માટે એજન્સી પાસેથી ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યું છે અને નવી બેરિંગ નાખવા અંગેની 15 વર્ષની ગેરંટી લેવામાં આવી છે.
જુલાઈ મહિનામાં રિપોર્ટ બાદ પણ કામગીરી ન થતા વિપક્ષે સવાલ ઉઠાવ્યોઃજુલાઈ મહિનામાં આપવામાં આવેલા ઇન્સ્પેક્શન રિપોર્ટમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા છતાં બ્રિજોમાં રીપેરીંગ કરવાની કામગીરી કેમ ન કરવામાં આવી તેને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા ને ભાજપના સત્તાધીશોએ પણ બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા જે બાદ બ્રિજોમાં રીપેરીંગ કામ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. રેલવે અને ફ્લાય ઓવરબ્રિજમાં મોટા તેમજ નાના રીપેરીંગ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકમલ બિલ્ડર્સને ટેન્ડરની અંદાજિત રકમ કરતાં 45.12 ટકાના વધુ ભાવે રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે.
કયા મુખ્ય બ્રિજમાં રીપેરીંગ થશે
ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ (1985)
ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ (1990)
કેડીલા રેલ્વે ઓવરબ્રિજ (1992)
ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ (1994)
નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રીજ (1998)
ચાંદલોડીયા રેલવે ઓવરબ્રિજ (2000)