ઊંઝાના ગોડાઉનમાંથી 20 દિવસમાં 3 કરોડનું જીરું ગાયબ! તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી

Spread the love

 

ઉત્તર ગુજરાતના મસાલા સિટી ગણાતા ઊંઝામાં એક વેપારીઓના ગોડાઉનમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે હાલ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આખા પ્રકરણની તપાસમાં હાલ જે તથ્યો સામે આવી રહ્યા છે, તેને જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે આ ચોરીના કેસમાં આખી ગેંગ સામેલ હોવાની તથા તેમાં એક વકીલની સંડોવણી હોવાની પણ ચોંકાવનારી માહિતી હાલ સામે આવી છે.ઘટનાની વિગતે વાત કરીએ તો, મહેસાણા ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડીસન્ટ હોટલની પાછળ ખોડીયાર એસ્ટેટ આવેલી છે. અહીં વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના ગોડાઉન આવેલા છે. જ્યાં ગત 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ મસમોટી ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના અંધારામાં તસ્કરોએ વેરહાઉસ નં. 13, 14 અને 15ના તાળા તોડ્યા હતા અને અંદરથી એક-બે નહીં પણ હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ગાયબ કરી નાખી હતી. બાદમાં આ ચોરીનો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ચોરીનો આંકડો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે ગણતરી કરતા કુલ 3 કરોડ 2 લાખ 28 હજાર રૂપિયાના જીરાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું! જે મામલે મહેસાણા LCB અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુનેગારો ચાલાક હતા, પણ પોલીસ તેમનાથી એક ડગલું આગળ હતી. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા, જેમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી હતી. બાદમાં આ ટ્રક નંબરના આધારે ડ્રાઈવર સુધી પોલીસ પહોંચી અને ત્યારબાદ શરૂ થયો ટેકનિકલ સર્વેલન્સનો દોર. મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સ (CDR) તપાસતા એક નંબર શંકાના દાયરામાં આવ્યો. આ નંબર હતો આરોપી વજાહત ખાનનો, જે ચોરી વાળી રાત્રે ઘટનાસ્થળે જ હાજર હતો. બસ, અહીંથી જ પોલીસને સફળતાની ચાવી મળી. બાદમાં પોલીસે તપાસ દરમિયાન આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઈલ સામે આવ્યા ત્યારે સૌ દંગ રહી ગયા. મુખ્ય આરોપીઓ પૈકી એક છે મેમણ મહંમદઈક્રામ, જેણે LL.B.નો અભ્યાસ કરેલો છે અને વકીલાત કરે છે! ત્યારે કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. ત્યારે આ વકીલ વિરુદ્ધ અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ તરફ બીજા આરોપી સાદીક મેમણ વિરુદ્ધ હાલોલમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. આ બંને આરોપીઓએ ટોળકીએ સાથે મળીને ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન રોકડ રકમ રૂ. 46,65,000 અને જીરાની 110 બોરીઓ (કિંમત રૂ. 11,50,000) એમ મળીને કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મહેસાણા પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલીને 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, શાહનવાજ ઉર્ફે ટીપુ અને ઈમરાન જમીલ જેવા આરોપીઓ હજુ વોન્ટેડ છે. આ ઘટના સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો ભણેલો કે શાતિર હોય, કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *