
વધતા જતા ચાંદીના ભાવ વચ્ચે રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. કારણકે 120 કિલો ચાંદીની ચોરી ઘણા મોટા પ્રમાણમાં હતી. પરંતુ આ ચોરીની ઘટનાને લઈને હવે પર્દાફાશ થઈ ગયો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે અને સમગ્ર મામલે હાલ એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી પોલીસ પકડથી ફરાર છે. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી. જેને લઈને રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી તો સામે આવ્યું કે ચોરાયેલો મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવ્યો છે. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી.ચોરાયેલ ચાંદી ચોરો વેચવા કાઢે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીનું નામ પ્રદીપ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેનો ભાઈ કમલેશ હાલ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બંને આરોપીઓ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે કમલેશ અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તેઓ મહેસાણાથી માણેકચોકમાં ચાંદી વેચવા જવાના હતા. ઝડપાયેલ આરોપી પાસેથી 40 કિલો ચાંદી મળી આવી છે. અન્ય 80 કિલો ચાંદી કોને આપી તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ કેસમાં સુરત અને વડોદરામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.