
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ટમ્બલર રિજ શહેરમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ ઘટનામાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 25 ઘાયલ છે. હજુ સુધી એ જાણકારી નથી આવી કે મૃત્યુ પામેલાઓમાં કોઈ વિદ્યાર્થી છે કે નહીં. સાવચેતીના ભાગરૂપે શાળાને બંધ કરી દેવામાં આવી છે.
વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો પોતાનાં પરિવારજનોને શોધવા માટે બહાર નીકળી આવ્યા છે તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આ ગોળીબાર બાદ પોતાનો જર્મની પ્રવાસ રદ કરી દીધો છે. સરકારી વેબસાઈટ અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 7થી 12 સુધીના કુલ 175 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)એ જણાવ્યું કે શંકાસ્પદ એક મહિલા હતી, જેણે સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો અને તેના વાળ ભૂરા હતા. તેનો મૃતદેહ સ્કૂલની અંદર મળ્યો. પોલીસનું માનવું છે કે તેણે પોતાને ગોળી મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગ્યે ને 20 મિનિટે (ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 2 વાગ્યે) સ્કૂલમાં ગોળીબારની સૂચના મળી હતી. સૂચના મળતાં જ પોલીસ સ્કૂલની અંદર દાખલ થઈ. ત્યાં ઘણા લોકો ઘાયલ અને મૃત મળ્યા. વડાપ્રધાન માર્ક કાર્નીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી ખૂબ દુઃખી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રાહતકર્મીઓની પ્રશંસા કરી.
હુમલાખોર ઉપરાંત અન્ય છ લોકો શાળાની અંદર મૃત હાલતમાં મળ્યા હતા. ગંભીર હાલતમાં બે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. લગભગ 25 લોકોને સામાન્ય ઈજાઓ સાથે સ્થાનિક મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી કેન ફ્લોઇડે જણાવ્યું હતું કે શાળામાંથી લગભગ 100 વિદ્યાર્થી અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ગોળીબારનું કારણ હજુ સ્પષ્ટ નથી. બ્રિટિશ કોલંબિયાના જાહેર સુરક્ષામંત્રી અને સોલિસિટર જનરલ નીના ક્રિગરે આ ગોળીબારને ‘હૃદયદ્રાવક’ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર લોકોની મદદ માટે શક્ય તમામ મદદ કરશે. ક્રિગરે જણાવ્યું હતું કે RCMPએ ટમ્બલર રિજમાં જારી કરાયેલ ઇમર્જન્સી એલર્ટ સમાપ્ત કરી દીધું છે. પોલીસનું માનવું છે કે હવે કોઈ અન્ય શંકાસ્પદ ફરાર નથી અને સામાન્ય લોકો માટે કોઈ ખતરો નથી. આ દરમિયાન ટમ્બલર રિજના એલિમેન્ટરી અને સેકન્ડરી શાળાઓને આ અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કૂલ ડિસ્ટ્રિક્ટે ઓનલાઈન જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટનાને કારણે બંને શાળા આખા અઠવાડિયા સુધી બંધ રહેશે. શનિવાર, 7 ફેબ્રુઆરીના રોજ રશિયાના બશ્કોર્તોસ્તાન રિપબ્લિકમાં આવેલા ઉફા શહેરની સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘણા વિદ્યાર્થીઓ પર ચાકુ વડે હુમલો થયો. હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થી સહિત ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા. ભારતીય દૂતાવાસે એને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક 15 વર્ષનો છોકરો હાથમાં ચાકુ લઈને વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલના પ્લે હોલમાં ઘૂસ્યો અને ત્યાં ઘણા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર પણ હુમલો કર્યો, જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇરિના વોલ્કના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાને પણ ઇજા પહોંચાડી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તે સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે. કઝાન સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ ઘાયલ વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડવા માટે ઉફા જવા રવાના થયા છે. રશિયન ફેડરલ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે ત્રણની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. હુમલાખોરને ગંભીર હાલતમાં સ્થાનિક બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉફા પ્રશાસને ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.