અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, વૃદ્ધને ઈજા, 40 લોકોનું રેસ્ક્યુ

Spread the love

 

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને ફસાયેલા 40 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુખરામનગરના આ 440 ફ્લેટના રીડેવલોપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, તેમ છતાં છેલ્લા બે મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર આર. જે. ગોસ્વામીએ જણાવ્યું કે, સવારે 8:15 વાગ્યે વિનોદભાઈ નામના વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સની એક ગેલેરી પડી ગઈ છે અને ત્યાં માણસો ફસાયા છે. આ મેસેજ મળતા જ મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાઇટર, એમ્બ્યુલન્સ અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચીને જોતા પરિસ્થિતિ એવી હતી કે કોઈ જગ્યાએથી ઉતરી શકાય તેમ નહોતું. આથી ફાયર વિભાગે આસપાસમાં બેથી ત્રણ જગ્યાએ સીડી લગાવીને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ, ગેલેરીનો કાટમાળ પડવાને કારણે ત્યાં સૂતેલા એક 80 વર્ષના માજીને સામાન્ય ઇજાઓ થઈ હતી. સ્થાનિક રહીશોએ તેમને તાત્કાલિક રિક્ષામાં એલ.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેને વધુમાં કહ્યું, આ સ્લમ ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને છેલ્લા બે મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ છે. આમ છતાં, કેટલાક રહીશો હજુ પણ મકાન ખાલી કરવાની ના પાડી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો તેઓ અત્યારે ઘર ખાલી કરે તો જશે ક્યાં? આ રહેઠાણનો પ્રશ્ન હોવાને કારણે તેઓ જોખમી મકાનોમાં રહેવા મજબૂર છે.ક્વાર્ટર્સ 1962-63માં બનેલા છે.
સ્થાનિક હરીશભાઈ ભરવાડે જણાવ્યું કે, સવારે 7.30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે. આ ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબા નગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સની છે. આ ક્વાર્ટર્સ 1962-63માં બનેલા છે અને અહીં કુલ 440 મકાનો અને 250 જેટલા છાપરા આવેલા છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમોએ સંયુક્ત રીતે આઠ મકાનોના આશરે 40થી 50 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. આ બનાવમાં પાંચથી છ લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ છે. તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે તેમણે તંત્ર પાસે જે માંગણીઓ કરી હતી તે બધી જ વસ્તુઓ આપી દીધી છે. આમ છતાં, આ ક્વાર્ટર્સના રી-ડેવલપમેન્ટમાં ક્યાં તકલીફ પડી રહી છે તે બાબતે તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્થાનિકોનું કહેવું છે કે નોટિસ તો ઘણા સમયથી આપવામાં આવે છે. રી- ડેવલોપમેન્ટનું કામ ક્યાં અટક્યું છે તે કોર્પોરેશન જાણે.અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભાડું પણ આપવામાં આવ્યું નથી. જો ભાડું આપવામાં આવે તો અમે મકાન ખાલી કરવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *