સાઉદી અરામકોમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી

Spread the love

 

શહેરના વિસનગર રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા સંજીવભાઈ શ્રીવાસ્તવના પુત્રને વિશ્વની પ્રતિષ્ઠિત ‘સાઉદી અરામકો’ કંપનીમાં નોકરી અપાવવાના બહાને દિલ્હીના એક શખ્સે 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ઠગાઈ કરનાર શખ્સ પોતે પણ ONGCનો નિવૃત અધિકારી હોવાનું સામે આવ્યું છે. સજીવભાઈના પત્નીના કુટુંબી ભાઈ ગોપાલ સકસેના (રહે. પાલાવાસણા, મહેસાણા) પોતે ONGCમાંથી નિવૃત થયેલા છે. તેમના સંપર્કમાં યુપીના મૂળ વતની અને હાલ દિલ્હી રહેતા કિરપાલસિંહ દેશરાજ ઉર્ફે કે.પી. સિંહ આવ્યા હતા. કે.પી. સિંહે પોતે સાઉદી અરામકો કંપનીમાં ‘હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ’ હોવાનો અને આખા ભારતનું સંચાલન કરતો હોવાનો દાવો કર્યો હતો.તેણે ગોપાલ સકસેનાને જણાવ્યું હતું કે જો કોઈ વિશ્વાસપાત્ર માણસ હોય તો તેને પોતે નોકરી લગાવી શકે છે.
ગોપાલભાઈ મારફતે આ વાતની જાણ થતા સંજીવભાઈએ પોતાના પુત્ર શિવમ માટે આરોપીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ શિવમના ડોક્યુમેન્ટ્સ મંગાવી નોકરીમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન, સેફ્ટી કીટ,ટ્રેનિંગ અને બોન્ડ પેટે કુલ રૂ. 7.25 લાખની માંગણી કરી હતી.વિશ્વાસમાં આવીને સંજીવભાઈએ માર્ચ અને એપ્રિલ 2025 દરમિયાન ટુકડે-ટુકડે ચેક તથા ઓનલાઇન પેમેન્ટ દ્વારા કુલ રૂ. 7,25,000 ચૂકવી દીધા હતા.
પૈસા લીધા બાદ આરોપીએ શિવમને ટ્રેનિંગ માટે દહેરાદૂન બોલાવ્યો હતો.પરંતુ છેલ્લી ઘડીએ ટ્રેનિંગ બીજી બેચમાં હોવાનું કહી રદ કરાવી હતી. ત્યારબાદ આરોપીએ વધુ નાણાંની માંગણી કરતા સંજીવભાઈને શંકા ગઈ હતી. તેમણે નોકરીની ના પાડી પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીએ દબાણ બાદ ટુકડે-ટુકડે કુલ રૂ. 3,25,000 પરત કર્યા હતા. પરંતુ બાકીના રૂ. 4 લાખ આપવા બાબતે ખોટા વાયદા શરૂ કર્યા હતા.બાકીના નાણાં માટે ફોન કરવા છતાં આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અંતે સંજીવભાઈએ મહેસાણા એ-ડિવિઝન પોલીસમાં કિરપાલસિંહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી એ વધુમાં જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઠગાઈ આચરનાર ONGCનો કલાસ વન નિવૃત અધિકારી છે. છેલ્લે તેઓ બોમ્બે હાઈમાં જોબ કરતા હતા.અને 2019માં આ વ્યક્તિ રિટાયર્ડ થયા છે.અને મહેસાણામાં 1983 માં તેઓ ONGC માં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *