
વિશ્વભરમાં મસાલાના હબ તરીકે જાણીતા ઊંઝામાં તાજેતરમાં APMC દ્વારા વેપારીઓ માટે આયોજિત ‘માહિતી અને માર્ગદર્શન સેમિનાર-2026’માં નકલી જીરા અને ભેળસેળનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ સેમિનારમાં જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને APMC ચેરમેન દિનેશ પટેલના નિવેદનોએ ભારે ચર્ચા જગાવી છે. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહીમાં હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં. સેમિનારને સંબોધતા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં ભેળસેળ અને ભ્રષ્ટાચાર એકમેક સાથે ભળી ગયા છે. જીરામાં ભૂસું, ગોળની રસી અને જોખમી કોટિંગ કરીને 10 ટન માલમાં 500 કિલો નકલી માલ ભેળવી દેવાની પદ્ધતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે વેપારીઓને નૈતિકતાનો પાઠ ભણાવતા કહ્યું કે, ભલે ઓછું કમાઈ લો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો. જો તમે તમારા પોતાના બાળકોને આવું ભેળસેળિયું જીરું ન ખવડાવી શકતા હો તો આવો ધંધો કરવાનો તમને કોઈ અધિકાર નથી.”વધુમાં જણાવ્યું કે, કદાચ સરકાર કે વિભાગથી બચી જશો પણ ઈશ્વરની નજરમાંથી નહીં બચો. હવે પછી કોઈપણ રાજકારણીનો ભલામણ માટે ફોન આવશે તો પણ કસૂરવારોને છોડવામાં આવશે નહીં. બીજી તરફ ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જીરામાં વજન વધારવા માટે વપરાતા જોખમી ઓઈલના કારોબાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે, આવા ઓઈલનો સપ્લાય ક્યાંથી થાય છે તેનું મૂળ શોધી તેને અટકાવવું જોઈએ. ચેરમેને વેપારીઓની લાગણી વ્યક્ત કરતા અધિકારીઓ પર આક્ષેપ પણ કર્યો હતો કે, ઘણીવાર અધિકારીઓ પૈસા લઈને ભેળસેળ કરનારાઓને જવા દેતા હોય છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો આવા કોઈ તત્વો પકડાશે તો જાહેર જનતાની વચ્ચે તેમના માલને સળગાવી દેવામાં આવશે.