
સાયબર ફ્રોડ સામે સરકાર દ્વારા સતત અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવે છે. તેમ છતાં આંકડો સતત વધી રહ્યો છે. દરરોજ ગુજરાતીઓના બેંક ખાતામાંથી સરેરાશ ૩.૬૨ કરોડ ચોરી લેવામાં આવે છે. માત્ર જાન્યુઆરી ૨૦૨૬માં જ સાયબર ગઠિયાઓએ દેશભરમાં ૧૧૨,૩૦, ૫૨,૪૮૧ રૂપિયાની છેતરપિડી કરી હતી. જે ડિજિટલ ક્રાઈમ નેટવર્કનો વ્યાપ વધી રહ્યો હોવાનું દર્શાવે છે. આ માત્ર સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાયેલા જ કિસ્સા છે. પરંતુ ઘણા લોકો બદનામી કે ઓળખ જાહેર થવાના ડરે ફરિયાદ નોંધાવતા નથી.
ગુજરાત પોલીસના ડેટા મુજબ, રાજ્યમાં દરરોજ અંદાજે ૧૪૪ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર બુલિગનો શિકાર બની રહ્યા છે. માત્ર જાન્યુઆરી ૨૦૨૬માં ૪૪૬૮ કેસ નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટની લાલ આંખ છતાં ગુજરાતમાં લગભગ દરરોજ સાયબર ક્રાઈમની ઘટનાઓ નોંધાઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં, પીડિતો આત્મહત્યાના આરે પહોંચી ગયા છે.
તાજેતરમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોલેજની યુવતીઓ અને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરને કોલ ગર્લ્સ કહીને બદનામ કરવા બદલ ૧૨૦ સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ માત્ર પ્રતિષ્ઠા જ નહોતી બગાડી પરંતુ કથિત બુકિંગ માટે ઓનલાઈન પૈસા ચૂકવનારા નિર્દોષ લોકોને પણ છેતર્યા હતા. વધારે ચિતાજનક બાબત મહિલાઓ અને સગીરોને નિશાન બનાવીને કરવામાં આવતી બદનામી છે. સરેરાશ દરરોજ ૨૨ મહિલાઓ અને સગીરાઓને વિવિધ પ્લેટફોર્મ પર બદનામ કરવામાં આવે છે. મહિના દરમિયાન સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર આવા કુલ ૭૦૫ કેસ નોંધાયા હતા.
નોંધનીય છે કે, સોમવારે સુપ્રીમ કોર્ટે દેશભરમાં નોંધાયેલા ૫૪,૦૦૦ કરોડ રૂપિયાના ડિજિટલ ફ્રોડને સ્પષ્ટપણે લૂંટ અને ધાડ ગણાવી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ રકમ ભારતના કેટલાક નાના રાજ્યોના વાર્ષિક બજેટ કરતા પણ વધુ છે અને બેંકો તથા RBI ને પૂરતી સુરક્ષા સુનિ^તિ કરવા નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મોટા છેતરપિંડીના કેસોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપી હતી અને ગુજરાત તથા દિલ્હી સરકારોને CBI તપાસ માટે જરૂરી મંજૂરીઓ આપવા આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ ગુનાઓનું પ્રમાણ અને તેની પદ્ધતિ બેંકિગ અને નિયમનકારી તંત્રની નિષ્ફળતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.