
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં રાજ્યભરમાં 37 મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે સચિવાલય, ગાંધીનગરથી સત્તાવાર આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, બદલાતા વહીવટી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લાઓમાં કામગીરી વધુ અસરકારક બને તે હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોને અન્ય તાલુકા તથા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. ખાસ કરીને વહીવટી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ સંબંધિત કચેરીઓમાં પણ નિયુક્તિઓ કરવામાં આવી છે. આ સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. બઢતી બાદ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના વહીવટી ફેરફારોનો હેતુ કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો છે. જિલ્લા સ્તરે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી તથા અન્ય શાખાઓમાં કાર્યક્ષમતા વધારવા આ પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, મામલતદાર અને નાયબ મામલતદાર સ્તરે થયેલા આ મોટા ફેરફારોને કારણે રાજ્યના વહીવટી તંત્રમાં નવી ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.