અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં જૂના હોદ્દેદારો ફાવી ગયા

Spread the love

 

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ આજે 14 ફેબ્રુઆરીના રોજ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે યુવા નેતા દર્શક ઠાકર, પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ કથીરિયા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે.પ્રમુખ બાદ મુખ્ય હોદ્દામાં મહામંત્રી પદ આવે છે, જેમાં બ્રાહ્મણ, લેઉવા પાટીદાર અને ઓબીસી સમાજના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભામાંથી યુવા નેતા તરીકે દર્શક ઠાકરને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ લોકસભામાંથી અનુભવી તરીકે ગૌતમ કથીરિયા અને પશ્ચિમ લોકસભામાંથી જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપાઈ છે.સંગઠનમાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. 8 મંત્રીઓમાં પાંચ જેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે નંદિનીબેન પંડ્યા, મહામંત્રી તરીકે ચંદાબેન પટેલ અને નીકીબેન શાહના જવાબદારી આપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે કેતુ પટેલ અને મહામંત્રી તરીકે આકાશ ગેહલોત તેમજ મહર્ષિ પાઠકને જવાબદારી સોંપવામાં આવી છે.બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે ફરજ બજાવતા ગૌરાંગ પ્રજાપતિને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે નીરજ ગજ્જર અને જીગર બારૈયાને નિમણૂક આપવામાં આવી છે.
અનુસૂચિત મોરચાના પ્રમુખ તરીકે ઉમંગ સરવૈયા અને મહામંત્રી તરીકે બ્રિજેશ પરમાર અને સરજુ વાઘેલાને મૂકવામાં આવ્યા છે જ્યારે અનુસૂચિત જનજાતિના પ્રમુખ તરીકે સાબરમતી વોર્ડના કોર્પોરેટર રમેશ રાણા અને મહામંત્રી તરીકે રાજેશ ગટાર અને જયેશ પારધીની નિમણૂક કરાઈ છે. કોષાધ્યક્ષ તરીકે તેજસ દેસાઈ કાર્યાલય મંત્રી તરીકે જીગ્નેશ જોરે અને સહ કાર્યાલય મંત્રી તરીકે અભય વ્યાસની નિમણુક કરાઇ છે. કિસાન મોરચાના પ્રમુખ તરીકે પ્રવીણ જોગાણી અને મહામંત્રી તરીકે ચંદ્ર દીપ સિંહ વાઘેલા તેમજ પોરસ પટેલની નિમણૂક કરવામાં આવી છે.સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે ઝલકિત પટેલ અને સહ ઇનચાર્જ તરીકે યશ રાવલની નિમણૂક કરવામાં આવી છે. મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. નિલય શુકલ અને સહ ઇન્ચાર્જ તરીકે લીલાધર ખડકેને નિમણુક આપી છે.અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં ચાલુ કોર્પોરેટરોને પણ હોદ્દેદાર તરીકે સ્થાન મળ્યું છે, જેમાં સૌથી મહત્વનું અને ચોકાવનારી જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે હોદ્દો સંભાળતા ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક જોવા મળી છે. ગૌરાંગ પ્રજાપતિ ભૂતકાળમાં સંગઠનમાં રહી ચૂક્યા છે ત્યારે તેમને હવે બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ચાંદલોડિયા વોર્ડના કોર્પોરેટર હીરાભાઈ પરમારને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અનસુયાબેન પટેલને મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાબરમતી વોર્ડના કોર્પોરેટર રમેશ રાણાને અનુસૂચિત જનજાતિના પ્રમુખ બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *