
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. ટીમે ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામના વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે એલ.સી.બી. પીએસઆઈ જે.વાય. પઠાણ અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી અંકિતભાઈ પટેલ, સંજયભાઈ પરેશા, તળસીભાઈ પટેલ, સુરેશભાઈ ચૌહાણ અને સુભાષભાઈ ગોયલ સહિત પાંચ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹1,76,900, છ મોબાઈલ ફોન (કિંમત ₹40,500), પાંચ બાઈક (કિંમત ₹1,60,000) અને એક કાર (કિંમત ₹3,00,000) મળી કુલ ₹6,77,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સુરપલસિંહ ઉર્ફે સુરુભા દાજીભા સોલંકી સહિત અન્ય ચાર વાહનચાલકો અથવા માલિકો (જેમના વાહન નંબર GJ 13 AG 6547, GJ 13 AS 9132, GJ 06 KM 4944 અને GJ 01 KB 3727 છે) ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ દસ શખ્સો વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.