
વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે. મહેસાણાના મોટપ ગામના રહેવાસી અને વ્યવસાયે વકીલ શંકરલાલ બાબુલાલ નાયીએ પોતાની દીકરીને કેનેડા મોકલવા માટે રાધનપુર રોડ પર આવેલી ‘સીધવ એમેજીંગ’ રાધે વિઝા નામની ઓફિસના સંચાલક ધવલ સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટ ધવલે વર્ક પરમિટ અપાવવાનો વિશ્વાસ આપી કુલ 33 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન વકીલે એજન્ટને કટકે-કટકે RTGS, ઓનલાઇન ટ્રાન્સફર અને રોકડ મળી કુલ 17,50,000 રૂપિયા ચૂકવ્યા હતા. વિશ્વાસ કેળવવા માટે એજન્ટ ધવલે વકીલની દીકરીના મોબાઈલ પર કેનેડાના વિઝા મંજૂર થયા હોવાના ખોટા ફોટા અને પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ પણ મોકલી હતી.
જોકે, પૈસા મેળવી લીધા બાદ એજન્ટ ધવલ પટેલ પોતાની ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયો હતો. વકીલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ધવલ પટેલ સામે અગાઉ પણ વિઝા ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 સુધીમાં નાણાં પરત આપવાનો વાયદો કર્યા બાદ પણ રકમ ન મળતા અંતે વકીલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ધવલ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.