અમદાવાદના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સીમમાંથી યુવાધન જેનો નશા માટે ઉપયોગ કરે છે તેવા ‘ગોગો’ સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને હુક્કાની સામગ્રીનો ગેરકાયદેસર જથ્થો ચાંગોદર પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે પ્રતિબંધિત વસ્તુના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં પોલીસને રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, હુક્કા ફ્લેવર અને કોલસા સહિત કુલ રૃ. ૩,૨૬,૪૨૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોડાઉનના સાઇટ લીડ તરીકે કામ કરતા કેતનકુમાર ઠાકોરપ્રસાદ ભટનાગર (રહે.હાલ ઓમકાર પરિસર, ચાંદખેડા, અમદાવાદ, મુળ રહે, નડિયાદ, જિ-ખેડા) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન જેવા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી તત્વો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.