VIDEO: ફ્રાંસના રાષ્ટ્રપતિનો મરીન ડ્રાઈવ પર જોવા મળ્યો અલગ અંદાજ! સવાર-સવારમાં જોગિંગ કરતા જોઈ મુંબઈવાસીઓ ચોંક્યા

Spread the love

 

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં (Emmanuel Macron) ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે ઇમેન્યુઅલ મેક્રોં મંગળવારે સવારે મુંબઈના મરીન ડ્રાઇવ પર એક અલગ અંદાજમાં જ જોવા મળ્યા હતા. ફિટનેસ પ્રત્યે અત્યંત જાગૃત માનવામાં આવતા મેક્રોં સવારે દરિયા કિનારે જોગિંગ કરતા જોવા મળ્યા હતા. મરીન ડ્રાઇવ પર ટહેલતા લોકોએ તેમને ઓળખી લીધા અને પછી તો શું, લોકો તેમને પોતાના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરવા લાગ્યા.

રાષ્ટ્રપતિ મેક્રોંનો આ અંદાજ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો છે. મેક્રોં 17થી 19 ફેબ્રુઆરી સુધી ભારતના પ્રવાસે આવ્યા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં ભારત પ્રવાસ દરમિયાન મંગળવારે સવારે મુંબઈના મરીન ડ્રાઇવ પર જોગિંગ કરતા જોવા મળ્યા, જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિને પોતાની વચ્ચે જોઈને ઘણા લોકોને તો પહેલી વખતમાં વિશ્વાસ જ ન આવ્યો કે આ ઇમેન્યુઅલ મેક્રોં છે.

મરીન ડ્રાઈવ પર દોડ્યા મેક્રોં

મેક્રોં તેમની ફિટનેસ માટે જાણીતા છે અને ઘણી વખત જાહેર સ્થળોએ પણ તેઓ દોડતા જોવા મળે છે. ભારતમાં પણ તેમણે આ દિનચર્યા જાળવી રાખી. મુંબઈના મરીન ડ્રાઇવ પર સવાર-સવારમાં તેમને દોડતા જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

PM મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે મેક્રોં

રાષ્ટ્રપતિ મેક્રોં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 17થી 19 ફેબ્રુઆરી સુધી ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ આ દરમિયાન ભારતની મેજબાનીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત મુંબઈમાં તેમની ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ યોજાવાની છે, જેમાં રક્ષા સહયોગ, ઊર્જા, સ્ટાર્ટઅપ ભાગીદારી અને આર્થિક રોકાણ જેવા વિષયોનો સમાવેશ થવાની સંભાવના છે. આ રાષ્ટ્રપતિ મેક્રોંની ભારતની ચોથી અને મુંબઈની પ્રથમ મુલાકાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *