કોરોના સંક્રમણ સમયમાં રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની છે. કોરોનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગકારના પ્લોટ ટ્રાન્સફર કરવા અથવા વેચાણમાં મુશ્કેલી આવી રહી છે, આ સંજોગોમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનની માગણી છે કે સરકાર કોઇપણ પ્રકારની ફી કે દંડ લીધા વિના ટ્રાન્સફર કે વેચાણનું કામ સરળતાથી કરી આપે.
કોરોનામાં ગુજરાતની અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં 250 જેટલા ઉદ્યોગ સંચાલકોએ તેમના જીવ ગુમાવ્યા છે. આ ઉદ્યોગકારોના પ્લોટ કે યુનિટ તેમના સ્વજનના નામે ટ્રાન્સફર કરવા અથવા તો વેચાણની પ્રક્રિયા સરળ બનાવવાની માગણી કરવામાં આવી છે, કેમ કે જીઆઇડીસી વેચાણ કે ટ્રાન્સફરમાં ફી અને દંડ વસૂલ કરતું હોય છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
એસોસિયેશનના સેક્રેટરી અજીત શાહે કહ્યું હતું કે ગુજરાતમાં આવેલી અલગ અલગ જીઆઇડીસીમાં કોરોનાના કારણે ઉદ્યોગ સંચાલકની સાથે કેટલાક કામદારોના પણ મોત થયાં છે. ઘણાં ઉદ્યોગ પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જે ઉદ્યોગ સંચાલકનું મોત થયું છે તે એકમ પરિવારના કોઇ સભ્યને ટ્રાન્સફર કરવાનું થાય છે અથવા તો પ્રોપર્ટીનું વેચાણ કરવું પડે છે. આવા સંજોગોમાં જીઆઇડીસી એકમ સંચાલક પાસેથી તગડી ફી વસૂલ કરતું હોય છે. કેટલાક કેસોમાં દંડ પણ ફટકારે છે.
આવા માનવતાના કિસ્સામાં જીઆઇડીસીના અધિકારીઓએ ચોક્કસ પ્રયોજન કરીને દંડ કે ફી માંડવાળ કરવી જોઇએ તેવી માગણી આ એસોસિયેશન તરફથી કરવામાં આવી છે. બીજી તરફ કોરોના સંક્રમણના કારણે લાદવામાં આવી રહેલા લોકડાઉનના કારણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગકારોની સ્થિતિ કફોડી બની છે. ઉત્પાદન ઘટ્યું છે. કામદારોની હાજરી નથી અથવા તો તેમને પગાર કરવાના રૂપિયા નથી. ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ સરકારે રજૂઆત પ્રમાણે ફી અને દંડ માફ કરવા જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.