ગુજરાત વિધાનસભામાં ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2026 27 માટે વિક્રમજનક 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસને લક્ષ્યાંકમાં રાખીને તૈયાર કરાયેલા આ બજેટમાં ગયા વર્ષની સરખામણીએ 37,803 કરોડ રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. 974 કરોડ રૂપિયાની પુરાંત ધરાવતા આ ઐતિહાસિક બજેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર આપવામાં આવી છે.
સરકાર દ્વારા વહીવટી માળખું મજબૂત કરવા અને યુવાનોને રોજગારી આપવાના ઉદ્દેશ્યથી ગૃહ અને મહેસૂલ વિભાગમાં કુલ મળીને નવી 4546 જગ્યાઓ પર ભરતી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ અને ગૃહ વિભાગ: DIAL 112 પ્રોજેક્ટમાં 3000 નવી જગ્યાઓ
રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગૃહ વિભાગને 14,265 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ અંતર્ગત ‘DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ’ ને વધુ ઝડપી બનાવવા માટે નવી 3000 જગ્યાઓ ઊભી કરવામાં આવશે, જે પોલીસ ભરતીની રાહ જોતા યુવાનો માટે મોટી તક છે.
પોલીસ જવાનોની સુખાકારી માટે આગામી 5 વર્ષમાં કુલ 20,444 નવા રહેણાક મકાનો બનાવવાનું આયોજન છે, જેના માટે બજેટમાં 1571 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, વિવિધ જિલ્લા કચેરીઓ અને પોલીસ સ્ટેશનોના 107 નવા બિન રહેણાક મકાનો બનાવવા 136 કરોડ રૂપિયા ફાળવાયા છે. સુરક્ષા વ્યવસ્થા આધુનિક કરવા માટે રોગ ડ્રોન (Rogue Drone) તોડી પાડવા સક્ષમ 4 એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી પાછળ 20 કરોડ રૂપિયા અને આંતરરાજ્ય સરહદો પર સઘન પેટ્રોલિંગ માટે 50 સ્પેશિયલ ઓપરેશનલ વ્હીકલ્સ ખરીદવા 9 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.
મહેસૂલ વિભાગમાં 1546 નવી ભરતીની જાહેરાત
રાજ્યના મહેસૂલી વહીવટને ઝડપી અને પારદર્શક બનાવવા માટે વિભાગને કુલ 5552 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં કુદરતી આફતો સામે પહોંચી વળવા માટે 2145 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. બજેટની સૌથી મોટી જાહેરાતોમાંની એક એ છે કે રાજ્યની વિવિધ મહેસૂલી કચેરીઓમાં નવી 1546 જગ્યાઓ ઉભી કરીને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સાથે જ, સુરેન્દ્રનગર, મહુધા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા અને માળીયા ખાતે નવા મહેસૂલ ભવનોનું નિર્માણ કરાશે, જ્યારે પાટણ, દસક્રોઇ અને ઠાસરાના ભવનોનું વિસ્તરણ કરાશે. 51 તાલુકાઓમાં મહેસૂલી કર્મચારીઓ માટે નવી વસાહતો બનાવવા પાછળ 240 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
શિક્ષણ અને પુસ્તકાલય: નમો સેન્ટ્રલ લાઈબ્રેરીનું નિર્માણ
વિદ્યાર્થીઓને વાંચન અને સંશોધન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા પૂરી પાડવા પાટનગર ગાંધીનગરમાં દેશની સૌથી વિશાળ અને હાઇટેક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ હશે અને તેના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારોના 15 તાલુકાઓમાં ‘ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી’ ઊભી કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રની અન્ય મોટી જાહેરાતોમાં:
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં થયેલા 19 ટકાના વધારાને જોતાં, આ યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
- નમો લક્ષ્મી યોજના: ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે 1250 કરોડ રૂપિયા ફાળવાયા.
- નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં કૌશલ્ય વર્ધનનો અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી યોજના શરૂ કરાઈ, જેની પાછળ 40 કરોડ રૂપિયા ખર્ચાશે.
- દિવ્યાંગજનો માટે મદદ: શાળામાં જતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ એલાઉન્સ આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
5 નવી GIDC અને MSME ને બુસ્ટર ડોઝ
રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં ઉદ્યોગોને આકર્ષવા અને સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માટે દાહોદના ઝાલોદ અને ગરબાડા તેમજ અરવલ્લી સહિતના જિલ્લાઓમાં મળીને કુલ 5 નવી GIDC (ઔદ્યોગિક વસાહતો) બનાવવાની જાહેરાત થઈ છે.
દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકાનો સિંહફાળો આપતા ગુજરાતમાં 29 લાખથી વધુ MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) નોંધાયેલા છે. આ નાના ઉદ્યોગોને આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ.’ હેઠળ 1775 કરોડ રૂપિયાની જંગી જોગવાઈ કરવામાં આવી છે.