ઉત્તર ગુજરાતમાં હાઈવે પર વધતા અકસ્માતોના બનાવો વચ્ચે આજે વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર વધુ એક કરુણ અકસ્માત સામે આવ્યો છે. ઉનાવા ગામ નજીક હોટલ કોમફી સામે ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ હૃદયવિદારક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોએ આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ખોયો છે. મૃતકોમાં રામલાલ લખાજી કુમાવત, કોમલ મદનલાલ કુમાવત, કૈલાશભાઈ રામલાલ કુમાવત અને
બાળકનો સમાવેશ થાય છે.
ચારેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં વસવાટ કરતો કુમાવત પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. પરિવારના સભ્યોમાં બે પુરુષ, એક મહિલા અને એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ગાડીનો ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો
પ્રાથમિક તપાસ મુજબ, ઉનાવા નજીક ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ઇકો કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. અથડામણનો ઝટકો એટલો જોરદાર હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ધડાકાનો અવાજ સાંભળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
ઘટનાની જાણ થતાં જ ઉનાવા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી નુકસાનગ્રસ્ત વાહન હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો
લગ્નની ખુશીઓમાંથી પરત ફરતા પરિવારે આકસ્મિક રીતે મોતને ભેટતા તેમના સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાએ ભારે આક્રોશ અને વ્યથા પેદા કરી છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના હાઈવેઝ પર વધતા અકસ્માતોને પગલે માર્ગ સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સાવચેત ડ્રાઈવિંગ કરવા અને ઝડપ નિયંત્રિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.