ભ્રષ્ટાચાર વિરોધી એસીબી દ્વારા એસએમસીમાં ચાલી રહેલા લાંચકાંડ પર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર અને એક સ્થાનિક (Surat ACB Trap) અખબારના પત્રકાર વચ્ચેની મિલીભગતથી બાંધકામ ન તોડવાના બહાને લાખોની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ બાદ એસીબીએ ટ્રેપ ગોઠવ્યો હતો. કેસમાં પત્રકાર લાંચની રકમ લઈને ફરાર થઈ ગયો છે, જ્યારે ઇજનેર પણ તપાસના ઘેરામાં છે.
15 લાખમાં થયો સોદો
ફરિયાદ મુજબ, ફરિયાદીના સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 પર નવેમ્બરમાં મનાઈહુકમની નોટિસ અપાઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ડિમોલેશનની કાર્યવાહી કરી 1.70 લાખનો ચાર્જ વસૂલાયો હતો. બાકી રહેલું બાંધકામ ન તોડવા માટે આરોપીઓએ શરૂઆતમાં 21 લાખની માંગણી કરી હતી, જે વાતચીત બાદ 15 લાખમાં નક્કી થયું હતું.
આ કેસમાં મુખ્ય આરોપી તરીકે વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાનું નામ સામે આવ્યું છે, જે લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર (વર્ગ-1) તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસ મુજબ, તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને સીધી રીતે નહીં પરંતુ વચેટિયા મારફતે લાંચ લેવાની વ્યવસ્થા ગોઠવી હતી.
પત્રકારની વચેટિયાની ભૂમિકા
આ કૌભાંડમાં મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ નામના વ્યક્તિની વચેટિયાની ભૂમિકા સામે આવી છે. તેઓ ‘’નિષ્પક્ષ ગુજરાત પત્રિકા’’ નામના દૈનિક અખબાર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. તપાસ મુજબ, પરવાના પઠાણ ઇજનેરના નજીકના માણસ તરીકે કાર્ય કરતો હતો અને ફરિયાદી પર લાંચ આપવા માટે દબાણ કરતો હતો.
લાંચ સ્વીકારવાનું સ્થળ તરીકે આંજણા ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલી અખબારની ઓફિસ (નં. 104) નક્કી કરવામાં આવી હતી. 19 ફેબ્રુઆરીએ પ્રથમ હપ્તા રૂપે 4 લાખ રૂપિયા આપવાના હતા. ફરિયાદી રૂપિયા લઈને પહોંચતા એસીબીની ટીમે પહેલેથી જ છટકું ગોઠવ્યું હતું. પત્રકારે ફરિયાદી પાસેથી રકમ સ્વીકારી, પરંતુ શંકા જતા તે રોકડ સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો. ઇજનેર પણ સ્થળ પર હાજર નહોતા.
એસીબીની પ્રાથમિક તપાસમાં ઇજનેર અને પત્રકાર વચ્ચે ગાઢ સંકલન હોવાનું બહાર આવ્યું છે. બાકી રહેલા 11 લાખ રૂપિયા સોમવાર સુધીમાં ચૂકવવાના નક્કી થયા હતા. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. હાલમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ ટીમો કામે લાગી છે. લાંચની રકમ પરત મેળવવા તેમજ અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ Surat શહેરના નગર વહીવટીતંત્રમાં ચકચાર મચાવી છે.