
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ઇઝરાયલ પ્રવાસ પૂર્વે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મિડલ ઇસ્ટમાં એક નવો ‘પાવર બ્લોક’ ઊભો કરવા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. નેતન્યાહુએ આ મહત્વાકાંક્ષી છ-પક્ષીય ગઠબંધનને ‘હેક્સાગન’ નામ આપ્યું છે, જેમાં ભારતને સૌથી વધુ મહત્ત્વના આપવામાં આવ્યું છે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ કટ્ટરવાદ અને આતંકવાદ સામે લડવાનો તેમજ વૈશ્વિક રાજનીતિમાં એક નવો શક્તિશાળી મંચ ઊભો કરવાનો છે. આ જોડાણમાં ભારત અને ઇઝરાયલ ઉપરાંત ગ્રીસ, સાયપ્રસ, આરબ દેશો અને આફ્રિકન રાષ્ટ્રોનો સમાવેશ થાય છે, જે સુરક્ષાથી લઈને વ્યાપાર સુધીના તમામ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. આ ‘હેક્સાગન’ ગઠબંધન તૂર્કિયે માટે એક મોટો વ્યૂહાત્મક ફટકો સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ભૂમધ્ય સમુદ્રમાં તેલ અને ગેસના ભંડારો પર કબજો જમાવવા મથતા તૂર્કિયેને રોકવા માટે ગ્રીસ અને સાયપ્રસનું આ ગઠબંધનમાં હોવું અત્યંત નિર્ણાયક છે. તૂર્કિયેના પ્રમુખ એર્દોગન દ્વારા કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો અને ઇઝરાયલને અપાતી ધમકીઓનો જવાબ આપવા માટે ભારત-ઇઝરાયલ હવે તૂર્કિયેના કટ્ટર દુશ્મનો સાથે હાથ મિલાવી રહ્યા છે. વધુમાં, ભારતથી શરૂ થઈને યુરોપ સુધી જતો નવો વ્યાપારિક માર્ગ તૂર્કિયેને બાયપાસ કરી દેશે, જેનાથી તેને અબજો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. ભારત માટે આ ગઠબંધન વૈશ્વિક સ્તરે મહાસત્તા બનવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે. આ ભાગીદારીથી ભારતને મિડલ ઇસ્ટ અને યુરોપ સુધીનો સુરક્ષિત માર્ગ મળશે, જે ચીનના ‘વન બેલ્ટ વન રોડ’ પ્લાનને પણ નિષ્ફળ બનાવી શકે છે. નેતન્યાહુનું માનવું છે કે આ ગઠબંધન માત્ર ઈરાન કે અન્ય કટ્ટરપંથી દેશોને સંતુલિત જ નહીં કરે, પરંતુ દુનિયામાં શાંતિ અને સ્થિરતા પણ લાવશે. રાજદ્વારી નિષ્ણાતો તેને અમેરિકા વગરના ‘નવા નાટો’ તરીકે જોઈ રહ્યા છે, જ્યાં સભ્ય દેશો પોતાની સુરક્ષા અને વ્યાપારિક હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ હશે.