ઈરાનની રશિયા સાથે સિક્રેટ ડીલ, ઈરાને પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે રશિયા સાથે અબજો રૂપિયાની ‘સીક્રેટ આર્મ્સ ડીલ’ પાર પાડી

Spread the love

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેના સંબંધો અત્યંત સ્ફોટક વળાંક પર છે. એક તરફ ટ્રમ્પ અને ઈઝરાયલ ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલાની વિચારણા કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે રશિયા સાથે અબજો રૂપિયાની ‘સીક્રેટ આર્મ્સ ડીલ’ પાર પાડી છે. અહેવાલ મુજબ, ઈરાને રશિયા સાથે 500 મિલિયન યુરો (આશરે $589 મિલિયન) ના શસ્ત્રો ખરીદવા માટે ગુપ્ત કરાર કર્યા છે. આ ડીલ ડિસેમ્બરમાં મોસ્કોમાં સાઈન કરવામાં આવી હતી. જોકે તેનો ખુલાસો હવે થયો છે. આ કરાર હેઠળ રશિયા આગામી ત્રણ વર્ષમાં ઈરાનને 500 અત્યાધુનિક ‘વર્બા’ (Verba) લોન્ચ યુનિટ અને 2,500 જેટલી 9M336 મિસાઈલો આપશે. આ મિસાઈલો ખભા પર રાખીને ડ્રોન કે ફાઈટર જેટ પર ચોક્કસ નિશાન સાધવા માટે જાણીતી છે.
ગયા વર્ષે જૂનમાં અમેરિકન સેનાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. ટ્રમ્પનો દાવો હતો કે આ હુમલામાં ઈરાનની પરમાણુ ક્ષમતા ખતમ થઈ ગઈ છે, પરંતુ ઈરાનનું કહેવું છે કે તેઓ નુકસાનમાંથી બહાર આવી ગયા છે અને હવે તેમની શક્તિ પહેલા કરતા વધી ગઈ છે. આ હુમલા બાદ જ જુલાઈમાં ઈરાને રશિયા પાસે આધુનિક મિસાઈલ સિસ્ટમની માંગ કરી હતી, જેની ડિલિવરી 2027 થી 2029 વચ્ચે ત્રણ તબક્કામાં થશે. વર્તમાન સ્થિતિ અત્યંત ગૂંચવણભરી છે. પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે ચેતવણી આપી હતી કે તેઓ ઈરાન પર મર્યાદિત સૈન્ય કાર્યવાહીનો વિચાર કરી રહ્યા છે. જોકે, બીજી બાજુ રાજદ્વારી સ્તરે મંત્રણા પણ ચાલુ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા મુજબ, તેઓ આગામી બે-ત્રણ દિવસમાં પરમાણુ મંત્રણા માટે એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે જે વોશિંગ્ટન મોકલવામાં આવશે. અરાઘચીએ આશા વ્યક્ત કરી છે કે એક અઠવાડિયામાં ગંભીર વાતચીત શરૂ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *