ડ્રગ માફિયા મેન્ચોના એન્કાઉન્ટર બાદ મેક્સિકો સળગ્યું! ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી

Spread the love

 

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ અને સેના વચ્ચે ચાલી રહેલી જંગને પગલે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ હિંસક વાતાવરણને જોતા મેક્સિકો સિટી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. 22 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આ નિવેદનમાં તમામ ભારતીયોને સતર્ક રહેવા, ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જાલિસ્કો, તમાઉલિપાસ, મિચોઆકાન અને ગુએરેરો જેવા રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને રસ્તા જામની ઘટનાઓ વધી રહી હોવાથી, ત્યાં રહેતા ભારતીયોને આગામી સૂચના સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.
ભારતીય દૂતાવાસે નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવા અને મીડિયા દ્વારા અપડેટ મેળવતા રહેવા અપીલ કરી છે. કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક હેલ્પલાઈન નંબર 911 અથવા ભારતીય દૂતાવાસના ખાસ નંબર +52 55 4847 7539 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રવાસીઓને પોતાની સુરક્ષા અંગેની જાણકારી પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા કે ફોન દ્વારા સતત આપતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. મેક્સિકોમાં હાલ જે રીતે સુરક્ષા અભિયાનો ચાલી રહ્યા છે, તેને જોતા બિનજરૂરી અવરજવર ટાળવી હિતાવહ છે.
આ હિંસા પાછળનું મુખ્ય કારણ કુખ્યાત ડ્રગ માફિયા અને ‘જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG)નો પ્રમુખ નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’નું મોત હોવાનું મનાય છે. સેના સાથેની એક ભીષણ અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એલ મેન્ચોનું નેટવર્ક એટલું શક્તિશાળી હતું કે અમેરિકાના તમામ 50 રાજ્યો સુધી તેના ડ્રગ્સના કાળા કારોબારના છેડા અડેલા હતા. તેના ગંભીર પડઘા હાલ મેક્સિકોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *